Rastriya Balika Diwas:વિદ્યાર્થિનીઓએ ગુજરાત વિધાનસભા ગૃહનું કર્યું સંચાલન

ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ જો આવી તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને કોઈ રોકી નહિ શકે : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા શક્તિને ન્યૂ એઇજ પાવર તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો આપ્યા છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • પોલિટીકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ વડાપ્રધાનએ દેશને ચિંધ્યો છે

રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, 
જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથેસાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર આજે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે 
‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આજે 
વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. સમગ્ર દેશમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન 
કરવામાં આવ્યું હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે. લોકશાહીના મૂલ્યોને વધુ મક્કમ બનાવતું ગુજરાત વિધાનસભાનું આ અનેરું સોપાન 
છે.

Government of Gujarat
મુખ્ય મંત્રીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ આગળ લઈ જવા બાલિકાઓને આહવાન કર્યું હતું. Government of Gujarat

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સૌને અભિનંદન પાઠવતા કહ્યું કે, આજે ગુજરાતની આ દીકરીઓએ જે 
આત્મવિશ્વાસ સાથે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું છે, તે જોઈને ચોક્કસ પણે કહી શકાય કે ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. 
રાજ્યનું દ્રશ્ય બદલાયું છે, ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ જો આવી તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને 
કોઈ રોકી શકે તેમ નથી.

તેમણે તેજસ્વિની વિધાનસભાને સંવિધાનની સેવરૂપ કાર્યક્રમ ગણાવતા ઉમેર્યું કે, વિદ્યાર્થીનીઓ વિધાનસભા ગૃહમાં બેસીને તેનું 
સંચાલન કરી ભારતની લોકશાહી પ્રણાલીનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે અને લોકશાહી પ્રણાલી વધુ લોકભોગ્ય બને તે માટેનો આ 
કાર્યક્રમ ખરેખર સરાહનાને પાત્ર છે. માત્ર આ દીકરીઓ જ નહિ, પરંતુ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ આ તેજસ્વિની 
વિધાનસભા કાર્યક્રમ નિહાળી શકે તે પ્રકારનું સફળ આયોજન મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ થયું છે. 

અધ્યક્ષએ જણાવ્યું કે, એક સમય હતો જ્યારે દેશમાં સતી પ્રથા અને દૂધપીતી જેવી પ્રથાઓ હતી. જેની સામે રાજા રામમોહન રાયે 
અભિયાન ચલાવી ભારતમાં મહિલા સશક્તિકરણની શરૂઆત કરી હતી. ભૂતકાળમાં ગુજરાતમાં પણ દીકરા-દીકરીનો દરમાં તફાવત 
હતો. તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દીકરા-દીકરીના દરમાં વધારો કરવા લોકજાગૃતિ 
અભિયાનની શરૂઆત કરી નાગરિકોની માનસિકતા બદલી છે અને ગુજરાતને આ સ્થિતિમાંથી બહાર કાઢવાનું કામ કર્યું છે. 

"દીકરી એટલે પારકી થાપણ નહિ, દીકરી એટલે ઘર આંગણાનો તુલસી ક્યારો" તેમ કહેતા અધ્યક્ષએ ઉમેર્યું કે, ગુજરાતમાં આજે 
સ્થિતિ બદલાઈ છે. રાજ્યની દીકરીઓનું પણ આજે દરેક ક્ષેત્રે દીકરાઓની સમાન જ પ્રતિનિધિત્વ સતત વધી રહ્યું છે. એ દિવસ પણ 
દૂર નથી જ્યારે આમાંથી જ કેટલીક દીકરીઓ પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ વિધાનસભા ગૃહમાં કરશે.

વડાપ્રધાનએ પણ મહિલાઓ માટે લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત આપવાના નિર્ણય થકી નવી 
ક્રાંતિની શરૂઆત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ સશક્ત ગુજરાત થકી સશક્ત ભારતના નિર્માણ માટે અને
કવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાશક્તિને ન્યૂ એઇજ પાવર તરીકે પ્રસ્થાપિત 
થવાના અનેક અવસરો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તાજેતરમાં નારીશક્તિ વંદન અધિનિયમ સંસદમાં પસાર કરાવીને 
વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. પોલિટીકલ ડેમોક્રેસીથી સોશિયલ 
ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને ચિંધ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે વિધાનસભા ગૃહમાં ‘તેજસ્વિની વિધાનસભા’ અને જિલ્લા 
પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ ‘તેજસ્વિની પંચાયત’ના કાર્યક્રમ દ્વારા રાજ્ય વ્યાપી ઉજવણીની નવી પહેલ ગુજરાતે કરી છે. આ 
'તેજસ્વિની વિધાનસભા' પોલિટિકલ ડેમોક્રસીથી સોશિયલ ડેમોક્રસીનો સંદેશો આપશે. સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી
 વિકાસની યાત્રાને પણ આગળ લઈ જવા તેમણે બાલિકાઓને આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ-રાજ્યના વિકાસમાં મહિલાઓની લોકભાગીદારી અને સહયોગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિમાં વિશ્વાસ મૂકી જનપ્રતિનિધિત્વમાં મહિલા આરક્ષણ માટે લોકસભામાં જે બિલ
 લાવ્યા, તેની સફળતાની અનુભૂતિ આજે તેજસ્વિની વિધાનસભામાં દેખાઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિ ઉપર વિશ્વાસ
 મૂકીને ડિફેન્સ સેક્ટરમાં પણ બાલિકાઓ માટે ભરતીના દ્વાર ખોલીને મહિલા ભાગીદારી વધારી છે. આજે દેશની નારીશક્તિ 
સશસ્ત્રદળમાં સામેલ થઈને ફાઈટર પ્લેન ઊડાવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીએ મોક વિધાનસભા ‘તેજસ્વિની એસેમ્બલી’ને ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક પ્રસંગ ગણાવતા કહ્યું કે, 
આજની તેજસ્વિની વિધાનસભામાં બાલિકાઓ દ્વારા કરવામાં આવેલા ગૃહના સંચાલન ઉપરથી વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ગુજરાતની
 બહેનો ઘર જ નહિં, ગામ, શહેર, નગર પંચાયત કે જિલ્લાની શાસનધૂરા પણ સંભાળે છે એવી રીતે ભવિષ્યમાં પણ જનપ્રતિનિધિત્વ 
કરી રાજ્ય અને દેશનું જનપ્રતિનિધિત્વ કરશે. 

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પોતાના મુખ્યમંત્રીકાળ દરમિયાન નારીશક્તિની રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા 
જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનોને ૫૦ ટકા આરક્ષણથી તક આપી છે. 
નારીશક્તિને ભેટ આપેલા કાયદાઓનો લાભ સૌ બલિકાઓને ભવિષ્યમાં મળશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. 

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યની 
દીકરીઓ માટે એક યાદગાર અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા સૂચવ્યું હતું. જેના પરિણામે સમગ્ર રાજ્યની દીકરીઓને જોડીને 
આજે "તેજસ્વિની વિધાનસભા"નું સફળ આયોજન થયું છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ વિભાગે ૧૩ જેટલી 
બાલિકા પંચાયત, અમદાવાદ સમરસ હોસ્ટેલ સહિત વિવિધ જિલ્લામાંથી દીકરીઓની પસંદગી કરી હતી. આજે ગુજરાતની આ 
દીકરીઓ મહિલા સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતું પ્રદર્શન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહિલા, યુવા, ગરીબ અને ખેડૂતોને આત્મનિર્ભર અને સશક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત
 આજે મહિલા સશક્તિકરણની એ દિશામાં આગળ વધી રહ્યું છે. તેજસ્વિની વિધાનસભા જેવા કાર્યક્રમોથી રાજ્યની દીકરીઓમાં 
નેતૃત્વના ગુણ વધશે અને આત્મનિર્ભર બનશે. ભવિષ્યમાં વિધાનસભા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા નગરપાલિકા, તાલુકા 
પંચાયત અને ગ્રામ પંચાયતોમાં મહિલાઓનું નેતૃત્વ વધશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેજસ્વિની વિધાનસભામાં ચાલેલા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન દિકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા 
અને નેતૃત્વના વિકાસ જેવા દિકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જનપ્રતિનિધિત્વ માટે 
મહિલા આરક્ષણ સંદર્ભનું વિધેયક રજૂ કરી તેજસ્વિનીઓ દ્વારા આ વિધેયક ઉપર પર તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં પ્રતિ વર્ષ તા. ૨૪ જાન્યુઆરીને આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. 
આ દિવસને બાલિકાઓ માટે વધુ ખાસ બનાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય 
અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ' નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે આ 
‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે બાલિકા પંચાયતના લોગો તેમજ તેની માર્ગદર્શિકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
----------
તેજસ્વિની વિધાનસભામાં જલ્પા અઘેરાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને મુકતા નાથબાવાએ મુખ્યમંત્રી તરીકે 
ગૃહનું સંચાલન કર્યું
----------
તેજસ્વિની વિધાનસભામાં જલ્પા અઘેરાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, મુકતા નાથબાવાએ મુખ્યમંત્રી, માલતીબેન 
વેકરીયાએ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, કિંજલબેન ઝાલા, આનંદી છાંગા, જુલીબેન ઝાલા, ઊર્મિ ચાડ, 
ગીતાબેન ઠાકોર, ઝલકબેન ઝાલા, યશવી લીલા અને ભારતી ગરવાએ વિવિધ કેબિનેટ મંત્રી તરીકેનો હોદ્દો ધારણ 
કર્યો હતો. જ્યારે, રમીલાબેન વણકર, બંસી આહીર, અસ્મિતા જોશી, પુજાબેન પરમાર, મન્નત સમા, રાજશ્રી 
કાપડી, ઝાલા તેમજ બિંદિયા મોખાએ વિવિધ રાજ્ય કક્ષાના મંત્રીનો હોદ્દો ધારણ કર્યો હતો.

આ ઉપરાંત સંજના ઝાલાએ વિધાનસભાના મુખ્ય દંડક, જાનકીબેન ઝાલાએ વિધાનસભાના દંડક, જીનાલબેન ઝાલા, 
ઇન્દુબેન ઝાલા અને મીનાક્ષીબેન રાઠોડે વિધાનસભાના નાયબ દંડક તરીકેનો હોદ્દો ધારણ કર્યો હતો. વધુમાં વિવિધ બાળાઓ 
દ્વારા વિધાનસભાના સભ્ય તરીકેનો હોદ્દો ધારણ કર્યો હતો.