Vibrant Gujarat Global Summit 2024: સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થપાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘હ્યુમન્સ ઈન સ્પેસ’ની રેસ નહીં પરંતુ ‘સ્પેસ ફોર હ્યુમનકાઇન્ડ’ની નીતિ દેશને આપી છે

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • યુનિયન કેબિનેટે ભારતના પ્રાઇવેટ સેક્ટર પ્લેયર્સ માટે સ્પેસ સેક્ટર ખુલ્લું મૂકવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો
  • સ્પેસ સેક્ટરના વિકાસને જોતા પ્રાઇવેટ પ્લેયર્સની પણ ભાગીદારી તેમા વધે તે આવશ્યક

સ્પેસ સેક્ટરના દેશ અને દુનિયાના સ્ટેકહોલ્ડર્સ માટે  ગુજરાત મોકાનું સ્થાન બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડીયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)નું હેડ ક્વાર્ટર અમદાવાદને આપ્યું છે. આ સંસ્થા સિંગલ વિન્ડો, ઇન્ડિપેન્ડન્ટ અને ઓટોનોમસ નોડલ એજન્સી તરીકે કામ કરી રહી છે, તેનાથી પ્રાઇવેટ સ્પેસ સેક્ટર ઇકોનોમીને મોટું બળ મળી રહ્યું છે તેવુંવાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪માં સૌ પ્રથમ વખત યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. 

આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે રાજ્ય સરકાર અને ઇન-સ્પેસ વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. બોપલમાં ઇન-સ્પેસના હેડ ક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. ઇન-સ્પેસ સંસ્થા સ્પેસ ટેકનોલોજીને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો શરૂ કરવા માટે પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પુરું પાડશે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાને ‘હ્યુમન્સ ઈન સ્પેસ’ની રેસ નહીં પરંતુ ‘સ્પેસ ફોર હ્યુમનકાઇન્ડ’ની નીતિ દેશને આપી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રિમ સ્થાન હાંસલ કરવા આગળ વધી રહ્યું છે. ભારતના સ્પેસ સેક્ટરમાં ઇસરોનું મહત્વપૂર્ણ અને સૌથી મોટું યોગદાન છે.

આ તકે મુખ્યમંત્રીએ ઇસરોના ચંદ્રયાન અને આદિત્ય એલ-૧ મિશનની સફળતા તેમજ ગગનયાન, ભારતીય આંતરિક સ્ટેશન, જેવા આગામી મિશનનો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું કે, ઇસરોની કામગીરીને પરિણામે સ્પેસ સંબંધિત એમ.એસ.એમ.ઇ. ઇન્ડસ્ટ્રીઝ અત્યાર સુધી સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે કામ કરતી હતી. સ્પેસ સેક્ટરના વિકાસને જોતા આ ક્ષેત્રમાં હવે પ્રાઇવેટ પ્લેયર્સની પણ ભાગીદારી વધે તેમજ ડેડિકેટેડ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ વિકસે તે આવશ્યક બન્યું છે.

તેમણે ઉમેર્યું કે, ૨૦૨૦માં વડાપ્રધાનના નેતૃત્વની યુનિયન કેબિનેટે ભારતના પ્રાઇવેટ સેક્ટર પ્લેયર્સ માટે સ્પેસ સેક્ટર ખુલ્લું મૂકવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, તેના પરિણામે ભારત હવે વિશ્વના અન્ય દેશોની હરોળમાં આવીને અવકાશ તરફ મીટ માંડતું થયું છે.
 

સ્પેસ સૌથી ગૂઢ, ગહન અને ગતિશીલ વિજ્ઞાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, સ્પેસ સૌથી ગૂઢ, ગહન અને ગતિશીલ વિજ્ઞાન છે. અવનવું મેળવવાની, સતત નવી શોધ થવાની સંભાવના સૌથી વધુ સ્પેસ સેક્ટરમાં રહેલી છે. તેમણે સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગકારો, રોકાણકારો અને અવકાશ વિજ્ઞાન નિષ્ણાતોને ગુજરાતમાં સ્પેસ ઇકોસિસ્ટમને ડેવલપ કરવા આહવાન કર્યું હતું. તેમણે વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત અમૃતકાળમાં ફ્યુચરિસ્ટ સ્પેસ સેક્ટરમાં યોગદાન આપવા સજ્જ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 ૨૦૪૦ સુધીમાં આપણું સ્પેસ સ્ટેશન 

ઈસરોના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે, અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રગતિનો હેતુ રાષ્ટ્રની લાંબા ગાળાની સમૃદ્ધિ માટે છે. અંતરિક્ષની સિદ્ધિઓ થકી આપણે દેશની સમૃદ્ધિ વધારવાની દિશામાં આગળ વધવાનું છે. વડાપ્રધાનનું આ દિશામાં પ્રેરક સમર્થન હંમેશાં મળતું રહે છે. આપણે માનવયુક્ત યાન થકી માનવીને અંતરિક્ષમાં મોકલવા અને વર્ષ ૨૦૪૦ સુધીમાં આપણું સ્પેસ સ્ટેશન બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ઇસરોના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે
દરેક ક્ષેત્રમાં અંતરિક્ષ વિજ્ઞાનને અપનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. દેશના વિકાસ માટે વૈજ્ઞાનિક પૂલ બનાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
    
સ્પેસ સેક્ટરમાં રોકાણ વધી રહ્યું છે

યુએઈ સ્પેસ એજન્સીના ડાયરેક્ટર  સાલેમ અલકુહૈસીએ જણાવ્યું હતું કે, માત્ર છ દાયકામાં ભારત સ્પેસ ટેક્નોલોજીમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવામાં સફળ થયું છે. તેમણે સહયોગ અને ભાગીદારીની શક્તિ પર વિશેષ ભાર મૂકયો હતો. આ પ્રસંગે ઈન-સ્પેસના ચેરમેન ડૉ. પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર હવે સૌના માટે ગૌરવ અને અપેક્ષાઓ  લાવી રહ્યું છે. સ્પેસ સેક્ટરમાં રોકાણ વધી રહ્યું છે. અર્થતંત્ર પર અંતરિક્ષની અસર પડી 
શકે છે,એવું તેમણે ઉમેર્યું હતું.

સ્વાગત પ્રવચનમાં અગ્ર સચિવ  મોના ખાંધારે જણાવ્યું હતું કે, અંતરિક્ષની માહિતી મેળવવા માટે સદીઓથી માનવ તેનો અભ્યાસ કરી રહ્યો છે. ઘણી બધી વાતો તકનીકી પ્રગતિ અને અંતરિક્ષ સંશોધનના કારણે વાસ્તવિક્તામાં પરિવર્તિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને કારણે આ વિષય વૈશ્વિક રોકાણકારો માટે સમિટનો એક ભાગ બન્યો છે. 


ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં વધારો થયો
આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ પરિષદમાં તજજ્ઞોનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં IN-SPACE, અમદાવાદના ડિરેક્ટર ડૉ. વિનોદ કુમારે દેશના અર્થતંત્ર અને વૃદ્ધિમાં અંતરિક્ષના યોગદાન વિશે વિગતવાર વાત રજુ કરતા જણાવ્યું હતું કે, અંતરિક્ષ ક્ષેત્રના વ્યુહાત્મક વિકાસથી બ્લુ ઈકોનોમી, ગ્રીન ઈકોનોમી, ડીજીટલ ઈકોનોમી, ટકાઉ વિકાસ લક્ષ્યાંકોની પ્રાપ્તિ વગેરેમાં ભારતે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં વધારો થયો છે. સ્પેસ સેક્ટરમાં આગામી 12 વર્ષમાં 22 અબજના રોકાણની સંભાવના છે. 

એવીએમ રાજીવ રંજને જણાવ્યું હતું કે, અંતરિક્ષ ક્ષેત્રે હવે ટ્રાન્સફોર્મેશનનો યુગ આવ્યો છે. ભારતમાં પ્રાઇવેટ સેક્ટર હવે સક્રિય થશે, તેનાં પરિણામો આગામી વર્ષોમાં જોવા મળશે. ડિફેન્સ સંશોધન ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર શૈજુમોન સીએસએ જણાવ્યું હતું કે ભારતમાં પરિવર્તન આવી રહ્યા છે. અંતરિક્ષ દ્વારા એકસાથે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ ઊભી થવાની અપાર સંભાવના છે.અંતરિક્ષ ક્ષેત્ર હવે રોજગાર નિર્માણમાં પણ યોગદાન આપી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનરશ્રી લીઓ બ્રેમેનિસે ઑસ્ટ્રેલિયાના સ્પેસ ઇનોવેશન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ભારતમાં અંતરિક્ષ સ્ટાર્ટઅપ્સ ઝડપથી વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો આ માટે વધુ ફાયદાકારક નીવડશે. આ પ્રસંગે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વિગ્નેશ સંથાનમે જણાવ્યું હતું કે બેકબોન એપ્લિકેશન્સ અને સ્પેસની રીચ એપ્લિકેશન્સ, ઓટોનોમી, રોબોટિક્સ, ઉત્પાદન વગેરે વિશે વાત કરી હતી.

નવી સ્પેસ પોલિસીથી દેશમાં અંતરિક્ષ ક્ષેત્રે લોકાભિમુખતા વધી 
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ કૉન્ફરન્સના ભાગરૂપે સ્પેસ ફોર ઑલ થીમ પર પેનલ ડિસ્કશન યોજાયું હતું. પેનલ ડિસ્કશનમાં મોડરેટરની ભૂમિકા ભજવનાર સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદના ડિરેક્ટર નીલેશ એમ. દેસાઈએ ચર્ચાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં સ્પેસ એટલે ચંદ્રયાન, માર્સ મિશન કે ગગનયાનની વાત થાય છે, પરંતુ સ્પેસનું ક્ષેત્ર આનાથી પણ ઘણું વિશાળ છે. સેટેલાઇટ કમ્યૂનિકેશન, નેવિગેશન, રિમોટ સેન્સિંગ, સ્પેસ સાયન્સ મિશન વગેરે ક્ષેત્રો પણ અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રેને ખાનગી કંપનીઓ અને સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવાની સરકારની પહેલની પ્રશંસા કરી હતી. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી), ઇસરોના ડિરેક્ટર  પ્રકાશ ચૌહાણે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલી સ્પેસ પોલિસી- ૨૦૨૩ની 
પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આ પોલિસી ગેમ ચેન્જર પુરવાર થશે અને સ્પેસ ફોર ઑલના મિશનને સાકાર કરવામાં મદદરૂપ બનશે. તેમણે કહ્યું કે, છેલ્લા મહિનામાં જ અમારા ભૂનિધિ પોર્ટલ ઉપરથી ડેટા લેનારા લોકોમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘડવામાં આવેલી નવી સ્પેસ પોલિસીથી દેશમાં અંતરિક્ષ ક્ષેત્રે લોકાભિમુખતા વધી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાયાસેટ ઇન્ડિયાના એમડી  ગૌતમ શર્માએ પોતાની કંપનીની લીગસી સ્પેસ અને મરીન ક્ષેત્રે સલામતી જાળવવાની હોવાની વિસ્તૃત વાત કરી હતી. નેધરલેન્ડની ભારત ખાતેની એમ્બેસીના ઇનોવેશન કાઉન્સેલર શ્રી ધોયા સ્નિજડેર્સે ભારત સાથેના નેધરલેન્ડના દ્વીપક્ષીય સંબંધોની વાત કરીને જણાવ્યું હતું કે સ્પેસ એન્ડ ટેક્નોલોજી વિભાગ તથા ઇસરો જેવી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ અને અમને સારો અનુભવ છે. જાપાની કંપની એસ્ટ્રોસ્કેલના પ્રેસિડેન્ટ એડી કાટોએ છેલ્લાં ૧૦ વર્ષમાં તેમની કંપની દ્વારા થતી અંતરિક્ષમાં જ સેટેલાઇટ રિ-ફ્યુઅલિંગ તથા અંતરિક્ષમાં રહેલા સેટેલાઇટ કચરાને હટાવવાની કામગીરીની વિગતો આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે અમે સપ્લાય ચેનમાં કોઈ ભારતીય કંપની જોડાય, એવી અપેક્ષા રાખીએ છીએ. 
આગામી સમયમાં ભારતમાં જોઇન્ટ વેન્ચર શરૂ કરવા અમે ઉત્સાહી છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.