સોલાર વિષય પર અમદાવાદમાં ખાસ કોન્કલેવનો પ્રારંભઃ સોલાર રૂફટોપ મામલે દેશમાં ગુજરાત અગ્રેસર!

ગુજરાત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગા વોટ કરતાં વધુ ક્ષમતા ધરાવવાની નવીનીકરણીય યોજના ધરાવે છે

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગા વોટ કરતાં વધુ ક્ષમતા ધરાવવાની નવીનીકરણીય યોજના ધરાવે છે
  • રૂફટોપ સોલારમાં અત્યારે, ગુજરાત સૌથી અગ્રેસર

વર્ષ 2024 ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ગુજરાત તૈયાર છે. આ સમિટ ગાંધીનગરમાં યોજાશે અને તેની તૈયારીઓ આટોપી લેવાઈ છે. ત્યારે આ પૂર્વે આજે અમદાવાદમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી તેમજ રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા રૂફટોપ સોલાર વિષય પર બે દિવસીય નેશનલ કોન્કલેવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોન્કલેવનો પ્રારંભ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ કરાવ્યો હતો.

ગુજરાત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગા વોટ કરતાં વધુ ક્ષમતા ધરાવવાની નવીનીકરણીય યોજના ધરાવે છે. તાજેતરમાં રાજ્યએ સંકલિત રિન્યુએબલ એનર્જી નીતિ ઘડી છે. આ પોલિસીમાં ગુજરાતની બહાર વીજળીની નિકાસ માટે કોઈપણ ચાર્જ વગર પરવાનગી આપવામાં આવી છે. આ સાથે ભારતના ૨૦૭૦ સુધીમાં “જીરો કાર્બન”ના આયોજનમાં ઘણા આગળ વધ્યા છીએ અને ગુજરાત ૨૦૪૭ સુધીમાં જીરો કાર્બન થઇ જાય તેવું આયોજન છે.

ગુજરાતની રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ માટે ‘સૂર્ય ગુજરાત’ યોજનાની સામાજિક અને આર્થિક અસરો વિશે ખ્યાલ મેળવવા માટે તાજેતરમાં જ વડોદરાની MS યુનિવર્સિટી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, આ સર્વે અનુસાર ગુજરાતના વિજ ગ્રાહકો કે જેમણે સોલાર રૂફટોપ લગાવી છે તેઓ અત્યારે ઘણા ખુશ છે. તેઓએ સોલાર રૂફટોપ લગાવવા માટે જે સૂર્ય-ગુજરાત પોર્ટલ વિકસાવેલ છે તેના વખાણ કર્યા છે.

મહત્વનું છે કે, આવનારા ભવિષ્યમાં સોલારનો જ જમાનો આવવાનો છે. ત્યારે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીના સેક્રેટરી ભૂપિન્દર સિંઘ ભલ્લાએ કહ્યું કે, દેશમાં રૂફટોપ સોલાર વધારવાની દિશામાં સરકાર મહત્વપૂર્ણ પ્રયાસો કરી રહી છે. રૂફટોપ સોલારમાં અત્યારે, ગુજરાત સૌથી અગ્રેસર છે. આ કોંકલેવ થકી આપણે સૌ રૂફટોપ પોલીસી વિશે વિચાર વિમર્શ કરી શકીશું અને આવનારા સમયમાં હજુ સારો બદલાવ લાવી શકીશું. આ પ્રકારના કોંકલેવથી સરકારને પણ ફાયદો થતો હોય છે.