ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ શાળાઓમાં હવે બાળકોને ભણાવાશે "ગીતાજી"ના પાઠ

બાળપણમાં જ ગીતાજી ભણવાથી બાળકોનું ઘડતર અલગ અને અનોખી રીતે થશે!

Share:

હાઈલાઇટ્સ

  • ગીતાજી માત્ર કોઈ એક વિશેષ ધર્મના નથી પરંતુ દરેક ધર્મનો સાર માનવામાં આવે છે
  • ગીતાજીના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે

ગુજરાત સરકારે શાળાના બાળકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, હવે સરકારી શાળાઓમાં બાળકોના સિલેબસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને પણ જોડી દેવામાં આવી છે. એટલે કે ગુજરાતના બાળકો હવે સ્કુલમાં જ ગીતાજી ભણશે. પોતાના શાળાકીય જીવનની શરૂઆત કરતાની સાથે જ બાળકો ગીતાજીના પાઠ ભણશે, જેનાથી તેઓને પોતાનું જીવન જીવવાની નવી અને સાચી રીત શીખવાનો અવસર મળશે.  

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ જાહેરાત કરી છે. પાનસેરિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યુ. આ સાથે ગીતાજીના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. મહત્વનું છે કે, 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે.

ગીતાજી માત્ર કોઈ એક વિશેષ ધર્મના નથી પરંતુ દરેક ધર્મનો સાર માનવામાં આવે છે. ગીતાજી જીવન જીવવાની કલા શિખવાડે છે. ગીતા બાળકોને વૈચારીક રીતે મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓ જ્યારે બાળપણથી જ ગીતાજીના પાઠ ભણશે તો ભવિષ્યમાં તેઓ પોતાના જીવનમાં આવનારી નાની-મોટી દરેક સમસ્યાઓ સામે લડવામાં સક્ષમ બનશે. 

બાળકોના જીવનમાં આવશે બદલાવ 

બાળપણથી જ ગીતાજી ભણવાથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો મળશે. તેમની બુદ્ધીમાં તિવ્રતા આવશે, તેમનો દ્રષ્ટીકોણ બદલાશે, અને નવી વૈચારીક શક્તિ કેળવાશે. વિદ્યાર્થીઓ બ્રહ્માંડથી લઈને પર્યાવરણ સુધીના દરેક વિષય પર જાણકારી મેળવતા થશે. જો યોગ્ય રીતે શાળામાં શ્રીમદ ભગવદ ગીતા વિશે ભણાવવામાં આવ્યું અને ગીતાજીના પાઠ બાળકોના જીવનમાં ઉતારવામાં આવ્યા તો આ બાળકો એટલા સક્ષમ હશે કે તેઓ ભારતને વિશ્વગુરૂ બનવામાં મદદ કરશે.