સુરત એરપોર્ટને મળ્યો 'આંતરરાષ્ટ્રીય એરપોર્ટ'નો દરજ્જોઃ કેન્દ્રીય મંત્રી મંડળે કરી જાહેરાત

આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સની સાથે જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવાના છે

Share:

હાઈલાઇટ્સ

  • વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રના મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું

ગુજરાતના સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સની સાથે જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રના મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરી દિધું છે.


સુરતનું આ ઈન્ટરનેશનલ એરપોર્ટ આગામી સમયમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત આખાય માટે મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે સુરતમાં મોટાપાયે હિરા ઉદ્યોગ વ્યાપ્ત છે. અને કેટલાય હિરા વ્યાપારીઓ વિદેશોમાં હિરા એક્સપોર્ટ કરે છે. ત્યારે આગામી સમયમાં સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થકી આ વ્યાપારને વેગ મળશે.

સુરત એરપોર્ટના ટર્મિનલ વિસ્તરણથી એરપોર્ટની પેસેન્જર ક્ષમતા 17.5 લાખથી વધીને 26 લાખ થઈ જશે. આ સિવાય સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળે અને ફ્લાઈટની સંખ્યા વધે તે હેતુથી એરોબ્રિજની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. એરપોર્ટ પર નવા 5 એરોબ્રિજ ઉભા કરાશે. આ સિવાય એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગની સુવિધાનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019 માં સુરત એરપોર્ટના પુનઃ વિકાસ માટે 353 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ, પેરેલલ ટેક્સી ટ્રેક અને વિમાન પાર્કિંગ સહિતની સુવિધાઓ સાથેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પૈકી 138.48 કકરોડના ખર્ચે નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે.

અપગ્રેડ કરાયેલા ટર્મિનલ બિલ્ડીંગમાં રિઝર્વ લાઉન્જ, બેંક એટીએમ, સેન્ટ્રલ ડિસ્પ્લે સ્ક્રીન, વેઈટિંગ એરિયા, 20 ચેક-ઈન કાઉન્ટર, 13 ઈમિગ્રેશન કાઉન્ટર અને 5 બેગેજ કેરોસેલ્સની આધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. આ ટર્મિનલ પિક અવર્સ દરમિયાન 1800 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે.