ગીર સોમનાથ: પ્રાચી તીર્થનું પૂણ્ય આપતું પાણી બન્યું ઝેર, હજારો માછલીઓના મોત થયા

ગીર સોમનાથના પ્રાચી તીર્થનું અસ્તિત્વ ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે, અહીં દૂષિત પાણીના કારણે જળચર પ્રાણીઓ અને પક્ષીઓના મોત થઈ રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • દૂષિત પાણીના કારણે મોટી સંખ્યામાં માછલીઓ-પક્ષીઓના મોત
  • સ્થાનિક તંત્ર દ્વારા સ્વચ્છતાના નામે પોકળ દાવાઓ કરાઈ રહ્યા છે

ગીર સોમનાથ: કહેવાય છે કે, 100 વાર કાશી અને એકવાર પ્રાચી... અને આ પ્રાચીમાં આવેલી સરસ્વતી નદી. આ નદીના દ્રશ્યો તમામ સ્થિતિ વર્ણવી રહ્યા છે. મહત્વનું છે કે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોએ પોતાના પિતૃોનું શ્રાદ્ધ કર્યું હતું, તે પ્રાચી હવે માત્ર ગંદકીનું પર્યાય બની ગયું છે. સરસ્વતી નદી સંપૂર્ણ રીતે પ્રદૂષિત થઈ હોવાથી હજારો માછલાઓના મોત થયા હોવાના અહેવાલ છે. એટલું જ નહીં, પક્ષીઓ પણ મરી રહ્યા છે. જેથી આખા વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે.

બીજી તરફ વહીવટીતંત્ર સ્વચ્છતાના નામે માત્ર ફોટા પડાવીને જ સંતોષ મનાવી રહ્યા છે અને આ વિસ્તાર સંપર્ણ રીતે સ્વચ્છ હોવાનો પોકળ દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સામે આવેલી તસવીરોમાં સરસ્વતી નદી જ તમામ દાવાઓનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી રહી છે. કુંડનું પાણી એટલું ઝેરી બની ગયું છે કે માછલીઓની સાથે સાથે પક્ષીઓ પણ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. એટલું જ નહીં, વિધિ કરવા આવતા લોકો પણ દુર્ગંધને કારણે ત્યાં આવવાનું ટાળી રહ્યા છે. જેની અસર સ્થાનિકો ઉપર પણ પડી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે,  અહીં લોકો નિરોગી બનવા માટે આવે છે, પરંતુ હાલ કુંડની પરિસ્થિતિ એવી છે કે, પાણી દૂષિત થવાને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. પરંતુ ક્યા કારણોસર તેમનું મોત થયું તે હજી સામે આવી શક્યું નથી. જેથી તંત્રએ પ્રાચી કુંડ અને સરસ્વતી નદીની સાફ-સફાઈ માટે અભિયાન હાથ ધરવું જોઈએ. જણાવી દઈએ કે, દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પિતૃ શ્રાદ્ધ માટે પ્રાચી તીર્થના મોક્ષ પીપળે પાણી રેડવા આવે છે.

અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે, નદી અને કુંડમાં ગંદકીનું કારણ એ છે કે, અહી આવતા મુલાકાતીઓ અને સ્થાનિકો પણ કચરો નાખતા હોય છે, એટલું જ નહીં, રસોડાનું કામ કરતા લોકો પણ વધેલું ભોજન કુંડ અને નદીમાં ઠાલવીને જાય છે. બીજી તરફ હાલ પાણી ન વહેતું હોવાથી માછલીઓના મોત થયા છે. આ વસ્તુનો નિકાલ એ છે કે, આગળ એક ડેમ જે જ્યા પાણી પૂરેપુરુ બંધ થાય છે, જેથી એ ડેમમાંથી પાણીની જાવક કરવામાં આવે તો નદીનું પાણી પણ વહેતું થાય.

મુલાકાતીઓના કહેવા પ્રમાણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થાય છે, એ વાતનું અમને પણ દુ:ખ થાય છે, જેથી પ્રશાસન અને પબ્લિક સમજે તો કંઈક થઈ શકે છે. પાણી એટલું દૂષિત છે કે, પાણી પીધા બાદ પક્ષીઓ પણ મરી રહ્યા છે. એટલે અત્યારે કુંડના પાણીને ઝેર કહો તો પણ ચાલે. કારણ કે, તેનાથી માછલી-પક્ષીઓના મોત નીપજી રહ્યા છે. બધા ભેગા મળીને કામ કરે તો પાણી પણ દૂષિત થવાથી બચશે અને તીર્થનું મહત્વ પણ નહીં ઘટે. જો કે, આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તે આગામી સમયમાં જોવાનું રહેશે.