Ahmedabad: પુત્ર મેળવવાની લ્હાયમાં ઓઢવની પરિણીતાનો 6 વાર ગર્ભપાત કરાવ્યો

અમદાવાદઃ કેટલાંક પતિ કે સાસરીયાઓ એવી અપેક્ષા રાખે છે કે તેઓના ઘરે પુત્રનો જન્મ થાય. જો ન થાય તો પછી પરિણીતાને ત્રાસ આપાવો કે અન્ય રીતે હેરાન પરેશાન કરતા હોય છે. ત્યારે ઓઢવમાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઓઢવની પરિણીતાનો સાસરીયાઓએ કરાવ્યો છ વાર ગર્ભપાત
  • પતિ અને સાસરીયાઓ પરિણીતા પાસે પુત્રની આશા રાખતા હતા
  • પરિણીતાએ અભયમની મદદ લીધી, ટીમે મામલો થાળે પાડ્યો

Ahmedabad: આજકાલ લોકો એવી આશા રાખે છે કે, ઘરે પુત્રનો જન્મ થાય. પણ જો એવું ન થાય તો પછી પરિણીતાનું તો સમજો કે આવી જ બન્યું. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઓઢવમાંથી સામે આવ્યો છે. અહીં એક પરિણીતા ગર્ભવતી બની હતી અને પછી જાણ થઈ કે તેને પુત્રી છે એટલે ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. પતિ અને સાસરીયાઓના લોકો પુત્રની ઝંખના રાખતા હતા. આ રીતે પુત્રની ઘેલછામાં મહિલાનું છ વાર એબોર્શન કરાવ્યું હતું. આખરે કંટાળીને મહિલાએ અભયમની ટીમની મદદ લીધી હતી. 

ગર્ભમાં પુત્રી હોવાની જાણ થઈ
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓઢવાની 26 વર્ષીય યુવતી તેના પતિ અને સાસરીયાઓ સાથે રહે છે. તેની નાની બહેનના લગ્ન પણ તેના દિયર સાથે કરાવવામાં આવ્યા હતા. લગ્નના થોડા સમય બાદ પરિણીતા ગર્ભવતી બની હતી. બાદમાં જાણ થઈ કે તેના ગર્ભમાં પુત્રી છે. એટલે પતિ અને સાસરીયાઓએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. પુત્ર જોઈએ છે એમ કહીને આ ગર્ભપાત કરાવ્યો હતો. 

છ વાર ગર્ભપાત કરાવ્યો 
સાસરીયાઓ પુત્રની આશા રાખતા હતા અને વારંવાર કહેતા હતા કે પુત્ર જોઈએ છીએ. આ રીતે પરિણીતા છ વાર ગર્ભવતી બની અને દરેક વખતે પુત્રી હોવાની જાણ થતા છ વાર ગર્ભપાત કરાવ્યો હતો. એ પછી સાસરીયાઓ તેને માનસિક ત્રાસ આપવા લાગતા હતા. નાની બહેન પણ સાથે રહેતી હોવાથી તેના જીવનમાં કોઈ ભંગાણ ન પડે એટલે તે સહન કરતી રહી. 

આ રીતે પાઠ ભણાવ્યો 
તાજેતરમાં પતિએ પરિણીતા સાથે મોટો ઝઘડો કર્યો હતો. જે બાદ પરિણીતાએ 181 અભયમની મદદ લીધી હતી. ટીમ પરિણીતાના ઘરે પહોંચી હતી. બાદમાં તેના પતિ અને સાસરીયાઓને કાયદાનું જ્ઞાન આપ્યું હતું. ટીમે સમજાવ્યું હતું કે, ગર્ભપાત કરાવવો એ ગુનો છે. જેથી કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. ટીમે કાઉન્સેલિંગ કરતા પતિ અને સાસરીયાઓને પોતાની ભૂલ સમજાઈ હતી. જે બાદ તેઓએ પરિણીતાની માફી માગી અને ભવિષ્યમાં આવું નહીં થાય એની બાંહેધરી આપી હતી.