VGGS 2024: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અંગ્રેજી ભાષાના શિક્ષણ પર 'કન્ટ્રી સેમિનાર' યોજાયો

સેમિનારમાં બ્રિટીશ કાઉન્સિલના એડ ટેક લીડ નીનાઝ ઈચ્છાપોરિયાએ અંગ્રેજી શિક્ષણમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ અંગેનો સંશોધનાત્મક અહેવાલ રજૂ કર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • અંગ્રેજી શિક્ષણમાં વ્યાકરણ, શબ્દભંડોળ સાથે લિસનિંગ, સ્પિકિંગ, રિડીંગ, રાઈટિંગ પર ભાર મુકવો જરૂરી
  • ગિફ્ટ સિટીમાં બ્રિટનની બર્મિંગહામ યુનિવર્સિટી સ્થાપવા માટે અનુકૂળ પરિબળો છે- દીપાંકર ચક્રવર્તી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અંગ્રેજી ભાષાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં ભારત યુ.કે. સહયોગ પર ભવિષ્યની પુનઃકલ્પના વિષયક કન્ટ્રી પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે બ્રિટિશ કાઉન્સિલ ઈન્ડિયાના ડાયરેક્ટર શ્રી એલિસન બેરેટે જણાવ્યું હતું કે, બ્રિટિશ કાઉન્સિલ માટે ગુજરાત મહત્વનું સ્થાન છે. અમે ગુજરાત સરકાર સાથે મળીને ઉચ્ચ શિક્ષણમાં ટેક્નોલોજીના સમન્વયથી શિક્ષણની ગુણવત્તા અને વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. 

સેમિનારમાં બ્રિટીશ કાઉન્સિલના એડ ટેક લીડ નીનાઝ ઈચ્છાપોરિયાએ અંગ્રેજી શિક્ષણમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ અંગેનો સંશોધનાત્મક રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમના અભ્યાસમાં અંગ્રેજી ભાષા શીખવા માટે AIનો ઉપયોગ કેવી રીતે થાય છે, તેમાં રહેલા પડકારો અને તકો વિશે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલના સર્વેમાં 118 દેશોના 1348 અંગ્રેજી ભાષાના શિક્ષકોને સામેલ કરવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, અંગ્રેજી ભાષાના શિક્ષણમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે લિસનિંગ, સ્પિકિંગ, રિડીંગ અને રાઈટિંગ જેવા કૌશલ્ય પર ભાર મુકવો જરૂરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી તાલિમબદ્ધ શિક્ષકોની પણ આવશ્યકતા રહેલી છે. આ ઉપરાંત ભાવિ સમયના પડકારો વિશે ચર્ચા કરતા તેમણે ઉમેર્યું હતુ કે, ટેકનોલોજીકલ બ્રેકડાઉન, મર્યાદિત ક્ષમતાઓ, અંગ્રેજી ભાષાનો ભય વગેરે કારણોથી વિદ્યાર્થીઓ અંગ્રેજી શિક્ષણથી દૂર રહે છે. 

આ પરિસંવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અંગ્રેજી ભાષાના શિક્ષણ વિશે ચર્ચાસત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં બર્મિંગહામ યુનિવર્સિટીના ડાયરેક્ટર દીપાંકર ચક્રવર્તી, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. અમી ઉપાધ્યાય, યુકેની ઓપન યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ બિઝનેસ એન્ડ લોના એક્ઝિક્યુટિવ ડીન શ્રી દેવેન્દ્ર કોડવાણી બ્રિટિશ કાઉન્સિલ ઇન્ડિયા, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના અંગ્રેજી પ્રોગ્રામ ડિરેક્ટર શ્રી સારાહ રોજર્સન સામેલ થયા હતા.

દીપાંકર ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, અમે શિક્ષણ ક્ષેત્રે ભારત સાથે દાયકાઓ જૂની ભાગીદારી ધરાવીએ છીએ. ભારત સાથે સંયુક્ત રીતે આશરે 40 પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. અમે ગુજરાત અને ગુજરાતીઓ સાથે ખૂબ નજીકથી કામ કરી રહ્યા છીએ. ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટી સ્થાપવા માટે અનુકૂળ પરિબળો છે. જેના પર આગામી સમયમાં અમલ કરવામાં આવશે. ભાષા અને સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે IIT મદ્રાસ સાથે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ પણ ચલાવી રહ્યા છીએ.
 
ડૉ. અમી ઉપાધ્યાયે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, ઉચ્ચ શિક્ષણમાં ઓપન યુનિવર્સિટી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી-કેન્દ્રિત અભ્યાસક્રમોને કારણે અન્ય યુનિવર્સિટીની સરખામણીએ ઓપન યુનિવર્સિટી સ્પર્ધાત્મકતાના સરળ ધોરણો સર્જે છે. નૂતન શિક્ષણનીતિ 2020 વિશે તેમણે ઉમેર્યું હતું કે, આ શિક્ષણનીતિમાં વિદ્યાર્થી માત્ર પુસ્તક નહીં પરંતુ સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 

દેવેન્દ્ર કોડવાણીએ સંશોધન અને વિકાસ પર પ્રકાશ પાડતા કહ્યું કે, યુકે ઓપન યુનિવર્સિટી ખાતે કાર્યરત અભ્યાસક્રમોથી 3 વર્ષ જેટલો સઘન અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી અર્થઉપાર્જન કરી શકે અને સરવાળે તે જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બની શકે. તે અમારું લક્ષ્ય છે. જેને સિદ્ધ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક સબળ માધ્યમ પુરવાર થશે. 

સારાહ રોજર્સનને બહુભાષાવાદને બદલે માતૃભાષામાં જ શિક્ષણ પર ભાર મુકતા કહ્યું કે, માતૃભાષામાં શિક્ષણથી વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને કલ્પનાશક્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. Uk સહિતના દેશોમાં લોકો અનેક ભાષાને બદલે એક ભાષામાં તજજ્ઞતા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે. અન્ય દેશો પણ તેનું અનુકરણ કરી રહ્યા છે. ગુજરાતમાં GIFT સિટી ખાતે ઈંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામ માટે સંસ્થા કાર્યરત કરવા તત્પર હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પરિસંવાદમાં મુખ્યત્વે ડિસ્ટન્સ લર્નિંગ, AI લર્નિંગ, કૌશલ્યવર્ધન ઉપરાંત ભાષા પર પ્રભુત્વ માટે સંશોધન અને સહયોગના વિવિધ પાસાઓની ઉંડાણપૂર્વક ચર્ચા કરાઈ હતી.