અમારો ઉદ્દેશ્ય આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે..', Gujarat Vibrant Summitમાં બોલ્યા PM મોદી

બહુપ્રતીક્ષિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂ થયું છે. ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો આ કાર્યક્રમમાં શામેલ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારત આગામી 25 વર્ષના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે, આ સમયગાળો ભારતનો અમૃતકાળ છે
  • અમારો ઉદ્દેશ્ય આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તેને વિકસિત દેશ બનાવવાનો છે

ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે. આ સમિટની આ 10મી આવૃત્તિ છે જે 10થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાતની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' રાખવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્યના ભાવિ પ્રોજેક્ટ્સ અને રોકાણોનું પ્રદર્શન કરશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બુધવારે જણાવ્યું હતું કે તેમની કંપની રિલાયન્સ હજીરામાં ભારતની પ્રથમ અને વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા સ્થાપશે. આ સિવાય અદાણી ગ્રુપ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ત્યારબાદ પીએમ મોદીએ સબોંધનની શરૂઆત કરી હતી...

વાઈબ્રન્ટ સમિટને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ UAE પ્રેસીડેન્ટ સહિત દુનિયાભરથી આવેલા ફોરેન ડેલિગેટ્સનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, 'આજે ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે, આજે ભારતે વિશ્વને એવો વિશ્વાસ અપાવ્યો છે કે, અમે સાથે મળીને લક્ષ્ય સુધી પહોંચી શકીએ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, ભારતની નિષ્ઠા, ભારતના પ્રયાસ અને ભારતનો પરિશ્રમ, આજની દુનિયાને સૌથી વધારે સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યું છે.'

UAEના પ્રેસીડેન્ટનું સ્વાગત
વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમમાં UAEના રાષ્ટ્રપતિ હાજર રહ્યા એ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અહીં મુખ્ય અતિથિ તરીકે તેમની હાજરી એ ભારત અને UAE વચ્ચેના દિન પ્રતિદિન મજબૂત બનેલા સૌહાર્દપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.

આગામી 25 વર્ષના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે ભારત
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે ભારત આગામી 25 વર્ષના લક્ષ્યાંકો પર કામ કરી રહ્યું છે. ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું છે. આ 25 વર્ષનો કાર્યકાળ એ ભારતનો અમૃતકાલ છે... આ અમૃતકાલમાં આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે, તેથી તેનું મહત્વ વધુ વધ્યું છે.