Vadodara: વિઝા રિજેક્ટ થતાં ટ્રાવેલ કંપનીએ હાથ અદ્ધર કર્યા, હવે ચૂકવવા પડશે રૂ. 3.39 લાખ

વડોદરાના એક પરિવારે યુરોપ ટૂર માટે ટ્રાવેલ કંપનીનો સંપર્ક કર્યો હતો અને બૂકિંગ અને વિઝા સહિતના 3 લાખ રૂપિયા ચાર્જ પણ ચૂકવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર વિઝા રિજેક્ટ થતાં પરિવારે રૂપિયા પરત માંગ્યા હતા, ત્યારે ટ્રાવેલ કંપનીએ કહ્યું કે, આ અમારી જવાબદારી નથી.

Share:

હાઈલાઇટ્સ

  • રૂપિયા પરત ન મળતા પરિવારે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી
  • દલીલો બાદ ફોરમે કંપનીને વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા કર્યો આદેશ

વડોદરાઃ ફેમિલી વેકેશન માટે વિદેશનું બુકિંગ કરાવ્યું, પણ વિઝા રિજેક્ટ થયા તો શું થશે? આવા મોટાભાગના કિસ્સાઓમાં ટ્રાવેલ કંપનીઓ જવાબદારી લેશે નહીં. જો કે, એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, વડોદરા ગ્રાહક આયોગે ભારતની અગ્રણી ઓનલાઈન ટ્રાવેલ કંપનીને વીઝા રિજેક્શન માટે જવાબદાર ગણાવીને સમગ્ર પ્રવાસ બુકિંગની રકમ એક બિઝનેસમેનને પરત કરવાનો આદેશ આપ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે ચિંતન ઠાકર દ્વારા નોંધાયેલી છ વર્ષ જૂની ફરિયાદનો નિર્ણય કર્યો, જેમણે 2017માં કંપની દ્વારા યુરોપમાં ફેમિલી વેકેશન બુક કર્યું હતું. ઠાકરે જાન્યુઆરી 2017માં રૂ. 1.73 લાખ અને એપ્રિલમાં રૂ. 1.84 લાખ ચૂકવ્યા હતા. ચાર્જીસમાં વિઝા સહાયતા ફી અને વિઝા સહાયતા સેવાઓનો સમાવેશ થાય છે.

કમિશને કંપનીને અયોગ્ય દસ્તાવેજીકરણ માટે જવાબદાર ગણાવીને ફરિયાદ નોંધાવી તે દિવસથી 8% વ્યાજ સાથે રૂ. 3.39 લાખ રિફંડ કરવાનો આદેશ આપ્યો હતો. ઠાકરે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ટ્રાવેલ પોર્ટલના એજન્ટે તેના પ્રવાસ માટે વિઝાની ઔપચારિકતા પૂરી કરી હતી. ઠાકર અને તેના પરિવારના ત્રણ સભ્યો વિઝા ઇન્ટરવ્યુ માટે ઇટાલીના કોન્સ્યુલેટ જનરલની ઓફિસમાં ગયા હતા.

ઠાકરનું પ્રતિનિધિત્વ કરતા જાગૃત નાગરિકના પી વી મૂરઝાનીએ જણાવ્યું હતું કે, ઠાકર મુસાફરીની તારીખ બદલીને 24 મે, 2017 કરવા માગતા હતા અને કંપનીની સલાહ લીધી હતી જેણે તેમને કહ્યું હતું કે તે આમ કરી શકે છે. ત્યારબાદ તેમને વધારાના રૂ. 1.84 લાખ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.

ઠાકરે વધારાના રૂ. 1.84 લાખ ચૂકવ્યા અને ફરીથી વિઝા માટે અરજી કરી. તેઓ અને તેમનો પરિવાર ફરીથી મુંબઈમાં ઈટાલીની કોન્સ્યુલેટ જનરલ ઓફિસમાં ઈન્ટરવ્યુ માટે ગયો હતો પરંતુ ટ્રાવેલ કંપનીએ એર ટિકિટ અને હોટલ બુકિંગ માટે યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા ન હોવાના આધારે તેને નકારી કાઢવામાં આવ્યો હતો.

ટ્રાવેલ ફર્મનો પત્ર ભરોસાપાત્ર ન હોવાથી વિઝા નકારવામાં આવ્યો
આખરે, તેઓ અને તેમનો પરિવાર મુસાફરી કરી શક્યો નહીં અને કંપનીને સમગ્ર રૂ. 3.57 લાખ રિફંડ કરવા કહ્યું. જોકે, કંપનીએ એમ કહીને ઇનકાર કર્યો હતો કે તે વિઝા રિજેક્ટ માટે જવાબદાર નથી. ત્યારબાદ ઠક્કરે મે 2018માં જાગૃત નાગરિક મારફતે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.

ટ્રાવેલ ફર્મે દલીલ કરી હતી કે 'ફરિયાદી તેમનો ગ્રાહક નથી અને ડીલ સેવાની વ્યાખ્યા હેઠળ આવતી નથી. અરજદારનો વિઝા નકારવામાં આવ્યો અને તે દૂતાવાસ પર નિર્ભર છે. કંપની વિઝા મંજૂરીની સેવાઓ આપતી નથી અને તેની ભૂમિકા માત્ર અરજદારને વિઝા મેળવવા માટે સુવિધા આપવાની છે, અને જો તે નકારવામાં આવે તો તે અમારી ભૂલ નથી'

દલીલો બાદ ફોરમે વધુમાં જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ટ્રાવેલ ફર્મ દ્વારા એપ્રિલ 2017માં ઇટાલીના કોન્સ્યુલેટ જનરલને અરજદાર (હોટલ)માં રહેવાની તારીખો અંગે સબમિટ કરેલો પત્ર ભરોસાપાત્ર ન હતો અને તેથી વિઝા નકારવામાં આવ્યો હતો. જેથી ફોરમે કંપનીને તેના પાંચ ટકા વહીવટી ચાર્જ લેવા અને ઠક્કરને રૂ. 3.39 લાખ ચૂકવવા આદેશ આપ્યો હતો.