Vibrant Gujarat Global Summit 2024: યુએઈ ક્યા કરશે બિલિયન ડોલરથી વધુના રોકાણ?

યુએઈના સોવેરન ફન્ડઝ દ્વારા ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ઓપરેશન અને ટ્રાન્સવર્લ્ડ કંપની દ્વારા શરૂ થનારા એરક્રાફટ  અને શીપ લીઝિંગ પ્રવૃત્તિઓ વિશે ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ બંને દેશોના નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધોનો શ્રેય યુએઈના રાષ્ટ્રપ્રમુખશ્રી શેખ મોહમ્મદ બિન ઝાયેદને આપ્યો

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ સમિટ નવા સપના - સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે
  • ભારત આજે વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી છે! આગામી વર્ષોમાં ટોપ-થ્રીમાં લઈ જવાનો સંકલ્પ
  • ભારતનો વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત વિશ્વ કલ્યાણ માટે અનિવાર્ય
  • ભારત દેશ "વિશ્વ મિત્ર" બની આગળ વધી રહ્યો છે

મહાત્મામંદિર ગાંધીનગર ખાતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભારતના  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે પ્રારંભ કરાવ્યો હતો. 
આ કાર્યક્રમમાં યુ.એ.ઇ.ના પ્રેસીડેન્ટ, ચેક રીપબ્લિકનના પ્રાઇમ મીનીસ્ટર, મોઝામમ્બિકના પ્રેસીડેન્ટ, તીમોરલેસ્ટના પ્રેસીડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની ૧૦મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પૂર્ણ થયાં હવે આગામી ૨૫ વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતાં ૧૦૦ વર્ષની પૂર્ણતાએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ છે. 

તેમણે ઉમેર્યું હતું કે, અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમીટ નવા સપના - સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહેશે. આ અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓને તેમણે ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. વાઇબ્રન્ટ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ અને અનુભવો વહેંચવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

ભારત - યુએઈ વચ્ચેના સંબંધો
વાઇબ્રન્ટ સમિટમાં યુએઈના રાષ્ટ્રપ્રમુખ  શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના નેતૃત્વ હેઠળ યુએઈના સહયોગી થવા અંગે આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સમિટના મુખ્ય મહેમાનપદે યુએઈના રાષ્ટ્રપ્રમુખની ઉપસ્થિતિ બંને દેશો વચ્ચે દિન-પ્રતિદિન મજબૂત બનતા આત્મીય સંબંધોનું પ્રતીક છે. ભારત અને યુએઈ વચ્ચે ઘનિષ્ઠ બનતા જતા વ્યાપારિક સંબંધો ઉપર પ્રકાશ પાડતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે ફૂડ પાર્કના વિકાસ, રિન્યુએબલ એનર્જી અને ઇનોવેટિવ હેલ્થ કેરમાં રોકાણ, ભારતમાં પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે યુએઈની કંપનીઓ દ્વારા બિલિયન ડોલરથી વધુના રોકાણ અંગે સમજૂતી કરારો થયા છે. યુએઈના સોવેરન ફન્ડઝ દ્વારા ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ઓપરેશન અને ટ્રાન્સવર્લ્ડ કંપની દ્વારા શરૂ થનારા એરક્રાફટ  અને શીપ લીઝિંગ પ્રવૃત્તિઓ વિશે ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ બંને દેશોના નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધોનો શ્રેય યુએઈના રાષ્ટ્રપ્રમુખશ્રી શેખ મોહમ્મદ બિન ઝાયેદને આપ્યો હતો.