Surat: માર્કેટમાં મહિલા અચાનક ઢળી પડી, મહિલો કોન્સ્ટેબલે CPR આપીને બચાવ્યો જીવ

હાલમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં સુરતમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે એક મહિલાને બેભાન અવસ્થા દરમિયાન સીઆરપી આપીને બચાવી લીધી છે. આ ઘટના સુરતના કાંગારુ સર્કલ પાસે રવિવારી માર્કેટ નજીક ઘટી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • સુરત પોલીસની એક પ્રસંશનીય કામગીરીનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સુરત સહિત રાજ્યભરમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા પોલીસકર્મીઓ અને શિક્ષકોને CPRની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જો કે, આ તાલીમ ખરેખર કામે લાગી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા પોલીસકર્મીએ ખેંચ આવતા ઢળી પડેલી મહિલાને માઉથ-ટૂ-માઉથ રેસ્પિરેશન અને CPR આપતી જોવા મળી રહી છે. મહિલા પોલીસકર્મીની આ કામગીરીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે, કારણ કે, મહિલા પોલીસકર્મી તેનો જીવ બચાવ્યો હતો.

ઘટનાની વિગતો એવી છે કે, રવિવારે સુરતના કાંગારુ સર્કલ નજીક રવિવારી માર્કેટમાં એક મહિલા અચાનક બેભાન થઇને ઢળી પડી હતી, માર્કેટમાં ખરીદી કરવા આવેલી મહિલાને અચાનક ખેંચ આવી હતી. આ જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેણે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલે તરત જ ત્યાં આવી CPR આપવાનું શરૂ કર્યું.

વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા મહિલાને છાતી પર CPR આપ્યું અને બાદમાં માઉથ-ટૂ માઉથ રેસ્પિરેશન આપ્યું હતું. થોડીવાર આ કરવાથી મહિલા ફરીથી હોશમાં આવી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલને કારણે મહિલાનો જીવ બચી જતાં લોકો પોલીસકર્મીના સરાહનીય કામને બિરદાવી રહ્યા છે.

સમગ્ર મામલે મહિલાનો જીવ બચાવનારી મહિલા કોન્સ્ટેબલે મીડિયાને જણાવ્યું કે, ખરીદી કરવા આવેલા બહેનને ખેંચ (મિરગી) આવતા ઢળી પડી હતી. જેથી તાત્કાલિક અમને શીખવવામાં આવેલું સીપીઆર અને મોં વડે શ્વાસો શ્વાસની ક્રિયા કરી હતી. જેથી મહિલાને ભાનમાં લાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે સુરતના સલાબતપુરા વિસ્તારમાં ડોક્ટરને ત્યાં આવેલી મહિલા દર્દીને હાર્ટ એટેક આવતા ખૂરશી પર જ ઢળી પડી હતી. આ જોઈને તરત જ ડોક્ટરે મહિલાને તાત્કાલિક CPR આપીને તેનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.