Amreli: ખેડૂતને 1 રૂપિયાની નોટિસ મોકલવાનું વીજકર્મીને ભારે પડ્યું, 100 કિમી દૂર બદલી

અમરેલી જિલ્લાના નાની કુંકાવાવના ખેડૂતને એક રૂપિયો ચૂકવવાની નોટિસ આપવા બદલ PGVCLમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીની કુંકાવાવથી 100 કિમી દૂર રાજુલા બદલી કરવામાં આવી છે.

Share:

હાઈલાઇટ્સ

  • ખેડૂતને નોટિસ મામલે અધિકારી નહીં, કર્મચારી સામે કાર્યવાહી
  • નોટિસ તૈયાર કરનારી મહિલાકર્મીની 100 કિમી દૂર બદલી થઈ

અમરેલી: અમરેલીના એક ખેડૂતને 1 રૂપિયાની નોટિસ મોકલવાનું વીજકર્મીને જોરદાર ભારે પડી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડીયા તાલુકાના નાની કુંકાવાવ ગામના એક ખેડૂતે રદ કરાવી નાખેલા વીજ કનેકશનમા એક રૂપિયો બાકી નીકળતો હોવાથી વીજ કંપની દ્વારા તેને 1 રૂપિયાની નોટિસા આપતા મામલો લોક અદાલત સુધી પહોંચ્યો હતો. પરંતુ આ મુદ્દે નોટિસ આપનારા ડેપ્યુટી એન્જિનિયર સામે કોઇ પગલા લેવાયા નથી, પરંતુ મહિલા કર્મચારીની 100 કિમી દુર સુધી બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર નાની કુંકાવાવ ગામના હરેશ સોરઠીયાને તાજેતરમા PGVCL દ્વારા એક રૂપિયો બાકી હોવાનુ જણાવી અદાલતમા કેસ કરી નોટિસ ફટકારવામા આવી હતી. તેમણે વીજ કનેકશન સાત વર્ષ પહેલા રદ કરાવી નાખ્યું હતુ. તેનો એક રૂપિયો બાકી કાઢી આ ખેડૂતને સમાધાન માટે લોક અદાલતમા આવવા મજબુર કરાયા હતા. જે અંગે ઉર્જામંત્રી સુધી રજુઆત ગયા બાદ ઘટનાના ઘેરા પડઘા પડયા હતા. ઼

આ નોટિસ તૈયાર કરનારા મહિલા કર્મચારી ક્રિષ્નાબેન દવેને વડીયાથી 100 કિમી દૂર આવેલા રાજુલા ખાતે બદલી કરાઈ છે. જો કે, મહિલાકર્મીએ તૈયાર કરેલી નોટિસ પર સહી કરી આ સોરઠીયાને ઠપકારનાર ડેપ્યુટી એન્જિનિયર સામે કોઈ પગલાં ન લઈને માત્ર નાના કર્મચારીની બદલી કરીને મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે ડેપ્યુટી એન્જિનિયર ડી પી દેસાઈનું કહેવું છે મહિલાકર્મીની બદલી ક્યા કારણોસર કરવામાં આવી છે, તે અંગે કશું જાણવા મળ્યું નથી અને બદલીનો આદેશ ઉપરથી આવ્યો છે.