લગ્નમાં જવા દુબઈથી અમદાવાદ આવેલા દંપતીની કાર ટ્રકમાં ઘૂસી, પતિ સહિત બેનાં મોત

અમદાવાદ એરપોર્ટથી જામનગર જતી કારને બગોદરા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં દુબઈથી આવેલા દંપતી પૈકી પતિનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે નિરમા યુનિવર્સિટી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • જામનગરમાં લગ્નપ્રસંગમાં જતી વખતે કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત
  • દુબઈથી આવેલા દંપતી પૈકી પતિનું મોત, બીજા અકસ્માતમાં મહિલાનું મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે બગોદરા નજીક એક કાર ટ્રકમાં ઘૂસી જતાં બે લોકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દુબઈથી એક દંપતી લગ્નમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યું હતું. દંપતી અને બે લોકો એક કારમાં જામનગર લગ્નપ્રસંગમાં જતા હતા ત્યારે બગોદરા રોડ નજીક ભામસરા ગામની સીમ પાસે કાર એક ટ્રક પાછળ ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં પતિ અને અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ અને એમ્બ્યુલન્સને કોણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર 55 વર્ષીય રમાબેન પટણી પતિ હિતેશભાઇ જામનગરમાં લગ્નપ્રસંગ હોવાથી દુબઇથી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. તેઓ તેમના સંબંધી હિતેશભાઇ જોશી અને કુંજનભાઇ શુક્લા સાથે એરપોર્ટથી કારમાં જામનગર જતા હતા. કાર કુંજનભાઈ શુક્લા ચલાવી રહ્યા હતા અને હિતેશભાઇ જોશી બાજુમાં બેઠા હતા. જ્યારે રમાબેન અને પતિ હિતેશભાઈ પાછળ બેઠા હતા. આ દરમિયાન બગોદરા હાઇવે પર કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેમાં હિતેશભાઇ પટણી (60) અને હિતેશભાઈ જોશી (32)ને ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું. જ્યારે કારચાલક કુંજન શુકલાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

SG હાઈવે પર હિટ એન્ડ રન

મંગળવારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. બનાવની વિગતો એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશના 53 વર્ષીય પુષ્પેન્દ્ર બૈરાગી 44 વર્ષીય પત્ની આરતીબેન સાથે બાઇક પર વૈષ્ણોદેવી સર્કલ નજીક જમવા જતા હતા. દરમિયાન નિરમા યુનિ. પાછળના રોડ પરથી પસાર થતા હતા ત્યારે એક કારચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી. જેથી દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં ગંભીર ઈજાને કારણે આરતીબેનનું મોત થયું હતું. પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.