અમદાવાદમાં દંપતી પર ચડ્યું AMCનું ડમ્પર, સુરતમાં યુવક ST બસ નીચે કચડાઈ ગયો

અમદાવાદના વાસણામાં AMCના ડમ્પરે ફૂટપાથ પર રહેલા દંપતીને અડફેટે લેતા એકનું મોત થયું છે, જ્યારે સુરતના ઉધનામાં એક્ટિવા સ્લીપ થતાં એસટી બસ નીચે કચડાઈને મોતને ભેટ્યો હોવાની ઘટના બની છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદમાં ડમ્પર દંપતી પર ચડતા પત્નીનું મોત, પતિની હાલત ગંભીર
  • સુરતમાં એક્ટિવા સ્લીપ થતાં યુવકનું એસટી બસ નીચે કચડાતા મોત

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે અમદાવાદ અને સુરતમાં અકસ્માતની બે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં કાળ બનીને ફરી રહેલા AMCના ડમ્પરે એક દંપતીને કચડી નાખ્યું, જેમાં પત્નીનું મોત થયું છે, જ્યારે પતિને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સુરતમાં એક્ટિવા સ્લીપ થતાં યુવક એસટી બસના પાછળના ટાચર નીચે આવી જતાં ગણતરીના સેકન્ડોમાં મોતને ભેટ્યો હતો. જેનો સીસીટીવી વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ફૂટપાથ પર રહેલા દંપતી પર ચડ્યું ડમ્પર
પ્રાપ્ત માહિતી અનુસાર વાસણા જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે સ્વીપર મશીન ફૂટપાથ ઉપર ચડી જતા દંપતી હકજી બદા ડામોર (39) અને તેની પત્ની પ્રમિલા હકજી ડામોર (39)ને ગંભીર ઈજા પહોંચી હતી, આ ઘટનામાં પ્રમિલાબેનું મોત નીપજ્યું હતું. જ્યારે હકજીનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં અકસ્માત સર્જીને ભાગી ગયેલા ડમ્પર ચાલકની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો હતો.

સુરતમાં એક્ટિવા ચાલકનું કમકમાટીભર્યું મોત
મીડિયા રિપોર્ટ અનુસાર શહેરના ઉધના રોડ પર રસ્તા પરથી ફુલ સ્પીડમાં ટૂ-વ્હીલર લઈને જતો યુવક બસ અને બાઈક વચ્ચેથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું ટૂ-વ્હીલર અચાનક બસ બાજુ સ્લીપ થયું અને તરત જ યુવક બસના પાછળના ટાયર નીચે કચડાતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. બનાવને પગલે રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ધંધુકામાં ડમ્પરે ટક્કર મારતા 3નાં મોત
ધંધુકામાં અંબાસર ગામના 3 યવકો બાઇક પર રોઝડ પેટ્રોલપંપથી ડીઝલ લઇ પોતાના ઘરે જતા હતા. ત્યારે ડમ્પરે બાઇકને ટક્કર મારતાં ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં તેમણે ગંભીર ઈજાઓ થતાં મોતને ભેટ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ભાગી ગયો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માતને મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :