રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને 2 કાર વચ્ચે ગંભીર અકસ્માત, 4 લોકોના કરૂણ મોત

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં રોડ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે પાટણમાં થયેલા કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા અને આજે રાજકોટ અમદાવાદ હાઈવે પર બે કારને ટ્રકની વચ્ચે કચ્ચરઘાણ થતાં 4 લોકો મોતને ભેટ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો
  • 2 કાર 2 ટ્રક વચ્ચે આવી જતા પડીકું, 4 લોકોના મોત થયા

રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોતના સમાચાર છે. અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલિયાસણ ગામ નજીક ગુરુવારે આજે સવારે ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી મૃતદેહો બહાર કાઢીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે પાટણ જિલ્લાના સાંતલપુર પાસે લગ્નપ્રસંગે જઈ રહેલી કારને અકસ્માત નડ્યો હતો. રોડ પર અચાનક વન્ય પ્રાણી આવી જતાં તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડની સાઈડમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેમાં ડૂબી જવાને કારણે એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા.

કેવી રીતે સર્જાયો અકસ્માત?
મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટ તરફ આવી રહેલા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી કાર અને સફેદ કલરની બીજી કાર ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે આ બંને કાર પાછળ ડમ્‍પર આવતું હોવાથી તે પણ કાર પાછળ અથડાતાં બંને કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ત્રણ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતાં. જ્યારે એકનું હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ મોત નીપજ્યું હતું.

 

રાજકોટ હોસ્‍પિટલમાં મૃત્‍યુ પામનારનું નામ હિરેનભાઇ વશરામભાઇ સગપરિયા (ઉં.વ.45) હોવાનું અને તેઓ રાજકોટ મનહરપ્‍લોટ-14માં રહેતાં હોવાનું સામે આવ્યું છે. તે બે ભાઈમાં મોટા હતાં અને તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે ઘર પાસે જ જય ખોડિયાર ઓટો ગેરેજ નામે ટુ-વ્‍હિલરનું ગેરેજ ધરાવતાં હતાં.

હિરેનભાઈ સગપરિયા તથા તેમના મિત્રો અટીકા વિરાણી અઘાટ પાસે નહેરૂનગરમાં રહેતાં ભરતભાઇ ખીમજીભાઇ સોલંકી (ઉં.વ.48), તેમનો પુત્ર પાર્થ ભરતભાઈ સોલંકી (ઉં.વ.20) સહિતના ચાર લોકો કાર લઈને ચોટીલા બીજ નિમીતે દર્શન કરવા ગયા હતા. પરત આવતી વખતે આ અકસ્‍માત થયો હતો. જેમાં હિરેનભાઈનું રાજકોટ તથા પાર્થનું ઘટનાસ્‍થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક સુરેન્‍દ્રનગરના મૃતક હેમેન્‍દ્રસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. ચોથા મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અકસ્‍માતને પગલે અકસ્‍માત સ્‍થળની બંને તરફના રસ્‍તા પર 2 કિલોમીટર ટ્રાફિકજામ થઈ ગયો હતો. બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ મથકના PSI જે.કે. પાંડાવદરા સહિત સ્ટાફ પહોંચી કાર્યવાહી કરી હતી અને ટ્રાફિક પોલીસની મદદથી ટ્રાફિક ક્‍લિયર કરાવ્‍યો હતો.

ગુજરાતમાં સતત વધી રહ્યા છે રોડ અકસ્માત

વર્ષ અકસ્માત મોત ઈજાગ્રસ્ત
2011 30205 8008 29744
2012 27904 7812 27612
2013 25391 7613 24846
2014 23712 7955 22493
2015 23183 8119 21448
2016 21859 8136 9998
2017 19081 7289 16802