પાટણ: લગ્નપ્રસંગે જઈ રહેલા પરિવારની કારને નડ્યો ગંભીર અકસ્માત, 4 લોકોના મોત

ભાણાના લગ્નપ્રસંગમાં જવા માટે મુંબઈથી ગામડે આવેલા બ્રાહ્મણ પરિવારના 4 સભ્યોના અકસ્માત બાદ પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યા.

Share:

હાઈલાઇટ્સ

  • ભાણાના લગ્નમાં જઈ રહેલા પરિવારની કારને અકસ્માત નડ્યો
  • અકસ્માત બાદ કાર પાણીમાં ખાબકતા ડૂબવાથી 4 લોકોના મોત

પાટણ: છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ક્રમમાં આજે પાટણ જિલ્લાના સાંતલપુર નજીક એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થતાં પરિવારમાં લગ્નની ખુશીની જગ્યાએ માતમ છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કેવી રીતે થયો અકસ્માત?
મીડિયા રિપોર્ટ અનુસાર ફાગલી ગામના અને મુંબઈ ખાતે સ્થાઈ થયેલો જોશી પરિવાર પાંચ દિવસ પહેલા જ મુંબઈથી ભાણાના લગ્નપ્રસંગના કારણે ગામડે આવ્યો હતો. આવતીકાલે કચ્છમાં સમુહ લગ્નમાં ભાણાના લગ્ન હોવાથી પરિવારના સભ્યો કારમાં ફાગલીથી કચ્છમાં લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો. આ દરમિયાન ફાગલી ગામથી થોડે દૂર રોડ પર અચાનક વન્ય પ્રાણી પસાર થતા તેને બચાવવા જતાં કાર રોડની બાજુમાં પાણીના ખાડામાં ખાબકી હતી. જેમાં જોશી પરિવારના પતિ-પત્ની અને પુત્રી અને ભાઇની પુત્રીનું પાણીમાં ડૂબી જવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, બ્રાહ્મણ પરિવાર પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં જતો હતો, ત્યારે કોઈ પ્રાણી વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો હતો અને કાર બાજુમાં તલાવડી જેવા ખાડામાં ખાબકી હતી. જેના કારણે ડૂબી જતાં ચાર લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા અમદાવાદમાં AMCના ડમ્પરે ફૂટપાથ પર રહેતા દંપતીને કચડી નાખ્યા હતા. જેમાંથી રોટલી બનાવી રહેલા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પતિનો પગ કચડાઈ જતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે સુરતમાં એક એક્ટિવા ચાલક બેલેન્સ બગડતા એસટી બસ નીચે આવી જતાં મોતને ભેટ્યો હતો. જેના હચમચાવી દેનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.