બોટાદઃ ઉત્તરાયણને હજુ એક મહિના કરતા પણ વધારે સમય છે, પરંતુ પતંગ રસિકો અત્યારથી જ પતંગ ઊડાડતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બાળકોને પતંગ ઉડાડવાનો શોખ વધારે હોય છે. બાળકો પતંગને જોઈને તેને પકડવા માટે દોડાદોડ કરી દેતા હોય છે. પણ આ રીતે પાગલ બનીને પતંગ પાછળ જવું કે વીજળીના થાંભલા પર ચઢવુ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. માતા-પિતા માટે આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બોટાદના ગઢડામાં હરિપર રોડ પર એક શ્રમિકનો દીકરો ટ્રાન્સફોર્મમાં ફસાયેલો પતંગ લેવા માટે ગયો હતો. આ સમયે તેને વીજ કરંટ લાગ્યો હતો. જે બાદ તે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે બાળકનો જીવ બચી ગયો હતો.
પતંગ ઘેલા બાળકોને સાચવો
ઉત્તરાયણ પહેલાં જ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં બાળકો પતંગ ઉડાડતા જોવા મળી રહ્યા છે. જ્યારે કોઈ પતંગ કપાઈને આવે કે ક્યાંક ફસાયેલો દેખાય તો બાળકો તેને કાઢવાનો પ્રયાસ કરતા હોય છે. પણ ક્યારેક આ રીતે પતંગ પાછળનું ઘેલુ બાળક સહિત માતા-પિતાને ભારે પડી શકે છે. આવી જ એક ઘટના બોટાદના ગઢડામાંથી સામે આવી છે.
સદનસીબે બાળકનો બચાવ
ગઢડાના હરિપર રોડ પર શિવવાડી વિસ્તારમાં બાળકને પતંગ લેવા જવાનું ભારે પડી ગયુ હતુ. અહીં રહેતા અને ખેત મજૂરી કરતા એક પરિવારનો 12 વર્ષનો દીકરો ટ્રાન્સફોર્મરમાં ફસાયેલો પતંગ લેવા માટે ગયો હતો. પતંગ લેવા માટે તે તેના પર ચઢ્યો હતો. આ દરમિયાન બાળકને કોઈ કારણોસર વીજ કરંટ લાગ્યો હતો. જે બાદ બાળક નીચે પટકાયો હતો. કરંટ લાગતા બાળકને ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે બાળકનો બચાવ થતા તેના માતા-પિતાએ ભગવાનનો આભાર માન્યો હતો. મહત્વનુ છે કે, આ ધટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.