Junagadhમાંથી નકલી PA બાદ હવે ફેક DySP ઝડપાયો, પોલીસ પણ દોડતી થઈ

જુનાગઢમાંથી મંત્રીના નકલી પીએ બાદ હવે નકલી ડીવાયએસપી ઝડપાયો છે. પોલીસના હાથે ઝડપાયેલા આ નકલી ડીવાયએસપીનું નામ વિનિત દવે છે. તે પોલીસના નકલી આઈડી કાર્ડથી રોફ જમાવતો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • જુનાગઢમાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો
  • ફેક આઈડી કાર્ડ બતાવી લોકો પર રોફ જમાવતો હતો
  • અસલી પોલીસે નકલીને ઝડપીને જેલભેગો કર્યો

જુનાગઢઃ રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ, માવા, મીઠાઈ, નકલી પીએ, નકલી સીએમઓ ઓફિસર, નકલી પીએમઓ વગેરેના રાફડો ફાટ્યો છે. ત્યારે હવે ફરી એકવાર નકલી ડીવાયએસપી ઝડપાયો છે. અસલી પોલીસે આ નકલી ડીવાયએસપીને ઝડપી પાડ્યો હતો અને જેલ ભેગો કર્યો હતો. આ યુવક નકલી ડીવાયએસપી બનીને લોકો પર રોફ જમાવતો હતો. નકલી આઈકાર્ડની મદદથી લોકો પર પાવર કરતો હતો. ત્યારે પોલીસે આ નકલી પોલીસ અધિકારીને ઝડપીને આગળની કાર્યવાહી કરી છે. 

નકલી પોલીસ અધિકારી ઝડપાયો
તાજેતરમાં જ નકલી ટોલનાકુ ઝડપાયું હતું. બે વર્ષથી ચાલતુ આ ટોલનાકુ નકલી છે વાતની કોઈને ગંધ શુદ્ધા પણ નહોતી આવી. બીજી તરફ, તાજેતરમાં જ જુનાગઢમાંથી મંત્રીનો નકલી પીએ ઝડપાયો હતો. ત્યારે હવે નકલી ડીવાયએસપી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. અસલી પોલીસના હાથે ઝડપાયેલા આ નકલી પોલીસ અધિકારીનું નામ વિનિત દવે છે. 

નકલી આઈકાર્ડથી રોફ જમાવતો 
આરોપી વિનિત દવે પોતાની પાસે નકલી આઈકાર્ડ પણ રાખતો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, આ નકલી અધિકારીએ કેટલાંક લોકોને પોલીસ ખાતામાં નોકરી અપાવીને લાખો-કરોડો રુપિયાની છેતરપિડી કરી છે. જો કે, આ વાતની પુષ્ટિ અમારી વેબસાઈટ કરતી નથી. પરંતુ પોલીસ તપાસમાં આ મામલે મોટો ઘટસ્ફોટ થશે અને કેટલાંક ચોંકાવનારા ખુલાસા થશે. 

થશે મોટો ખુલાસો 
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, નકલી ડીવાએસપીની ઓળખ આપીને ફરતો આરોપી વિનિત જ્યુડિશિયલ કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેણે પોલીસના આઈકાર્ડ પર લગાવેલા ફોટા પર પોતાનો ફોટો લગાવી દીધો હતો અને પછી લોકો પર ધાક જમાવતો હતો. ત્યારે પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.