અમરેલીઃ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સામાં વધારો થયો છે. નાની ઉંમરથી લઈ મોટી ઉંમરની વ્યક્તિનાં હાર્ટ એટેકથી મોત થઈ રહ્યાં છે. ત્યારે અમરેલીમાં એક 20 વર્ષીય આશાસ્પદ યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં હડકંપ મચી ગયો છે. આ યુવક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. તે પોલીસ ભરતી માટેની તૈયારી કરી રહ્યો હતો. યુવકને છાતીમાં દુઃખાવો થયો હતો અને બાદમાં તેનું મોત થયુ હતુ. આ યુવક જશદણના કુકડા ગામેથી અહીં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. મહત્વનું છે કે, હાર્ટ એટેકના કારણે થઈ રહેલાં મોતથી વિશેષજ્ઞો પણ ચિંતામાં છે.
છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો
અમરેલીના બાબરામાં ગોપાલક છાત્રાલયમાં અભ્યાસ કરતા યુવકનું મોત હાર્ટ એટેકથી થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. જશદણના કુકડા ગામમાં રહેતો 20 વર્ષીય યુવક રવિ અભ્યાસ માટે ગોપાલક છાત્રાલયમાં આવ્યો હતો. જો કે, યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદ તેને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જવાનજોધ દીકરો ગુમાવ્યો
જ્યારે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ, પરિવારને આ વાતની જાણ થઈ તો તેમના માથે આભ ફાટી પડ્યું હતું. પરિવારે જવાનજોધ દીકરો ગુમાવ્યો હતો. જો કે, આ મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
ખેલૈયાનું થયુ હતુ મોત
મહત્વનું છે કે, ગયા ઓક્ટોબર મહિનામાં નવરાત્રી દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું. ખેલૈયાને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તે જમીન પર ઢળી પડ્યો હતો. પાર્ટી પ્લોટમાં ગરબા રમતી વખતે આ ઘટના બની હતી અને મોબાઈલના કેમેરામાં કેદ પણ થઈ હતી. જે બાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.