યાત્રાધામ અંબાજીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, યાત્રીઓની સુવિધામાં થશે વધારો

ડેવલપમેન્ટનો લાભ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાન્છા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા સહિતના 8 ગામોને મળશે.

Share:

હાઈલાઇટ્સ

  • દર વર્ષે દેશ વિદેશથી કરોડો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે
  • સ્વચ્છતા જળવાશે અને યાત્રીઓની સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંબાજી યાત્રાધામને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરવામાં આવેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યો કરવા માટે 97.32 કરોડ રૂપીયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.  

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર આ ડેવલપમેન્ટનો લાભ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાન્છા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા સહિતના 8 ગામોને મળશે. અંબાજી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ પિલગ્રીમેજ ટુરીઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને ઘનચરા નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડીટેઇલ્ડ રિપોર્ટને ઓથોરિટીની બોર્ડ બેઠકે મંજૂરી આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો.

મહત્વનું છે કે, અંબાજી એ ભારતનું મોટું અને પ્રસિદ્ધ યાત્રાધામ છે. દર વર્ષે અહીંયા દેશ વિદેશથી કરોડો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. સામાન્ય માણસ હોય કે વિશ્વ ફલક પર પોતાનું નામ ધરાવતા મોટા ઉદ્યોગપતિઓ કે પછી નેતાઓ, દરેક વ્યક્તિ જગદંબાના દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. ત્યારે અંબાજી અને આસપાસના ગામોમાં હવે આ નવા વિકાસ કામો હાથ ધરાવાને પરિણામે સ્વચ્છતા જળવાશે અને યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે. આ સાથે જ અહીંયા આવતા યાત્રીઓની સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે.