કબૂતરબાજ બોબી પટેલનો સાગરીત કેયુર પટેલ ઝડપાયો, ઢગલો બોગસ પાસપોર્ટ કઢાવેલાં

Ahmedabad: લોકોને બોગસ પાસપોર્ટ પર વિદેશમાં મોકલનારા માસ્ટરમાઈન્ડ બોબી પટેલનો સાગરીત પણ હવે વિસનગરથી ઝડપાયો છે. તેણે સંખ્યાબંધ બોગસ પાસપોર્ટ કઢાવ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • કબૂતરબાજ બોબી પટેલનો વધુ એક સાગરીત ઝડપાયો
  • સંખ્યાબંધ બોગસ પાસપોર્ટ બનાવવામાં સંડોવાયેલો છે
  • કેયુર પટેલને પોલીસની ટીમે વિસનગરમાંથી ઝડપી પાડ્યો

અમદાવાદઃ ગુજરાતીઓને ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડમાં અગાઉ માસ્ટરમાઈન્ડ બોબી પટેલની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હવે બોબી પટેલના સાગરીત કેયુર પટેલને પણ વિસનગરમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે. તેણે સંખ્યાબંધ બોગસ પાસપોર્ટ બનાવ્યા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલે તેને વિસનગરમાંથી ઝડપી પાડ્યો હતો. તે મહેસાણાના વિસનગરમાં કાંસામાં તેની ભાણીના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો હતો અને એ જ સમયે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારે આરોપી કેયુર પટેલની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. 

શું છે ઘટના?
2022માં આરોપી ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસનો મુખ્ય આરોપી બોબી પટેલ હતો. તેણે અનેક લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા હતા. મુંબઈમાં બનાવટી પાસપોર્ટ બનાવીને મુંબઈ તથા દિલ્હીના એજન્ટોની મદદથી તેણે અનેક લોકોને ગેરકાયદે વિદેશ મોકલ્યા હતા. આ કેસમાં કેયુર પટેલ પણ સંડોવાયેલો હતો. તે છેલ્લાં એક વર્ષથી ફરાર હતો. 

પોલીસે કેવી રીતે પકડ્યો?
સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે આરોપી કેયુર પટેલ તેની ભાણીના લગ્નમાં આવવાનો છે. એટલે કાંસામાં ટીમે વોચ ગોઠવી હતી. જેવો આરોપી કેયુર પટેલ આવ્યો કે તેને પોલીસે દબોચી લીધો હતો. મહત્વનું છે કે, કેયુર પટેલ પર પોલીસે 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યુ હતુ. આ કેસમાં બોબી પટેલ સહિત કુલ પાંચ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. 

ડીંગુચાનો પરિવાર મર્યો
મહત્વનું છે કે, કલોલના ડિંગુચાનો એક પરિવાર ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા બોર્ડર પર માઈનસ ડિગ્રી ઠંડીમાં થીજી જતા મૃત્યુ પામ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી કેયુર પટેલ મુંબઈને સંતાઈને રહી રહ્યો છે. જ્યારે તેના ઘરે તપાસ કરવામાં આવે ત્યારે તે નાસી છૂટતો હતો.