Ahmedabad: નારોલમાં પ્રેમી-પત્નીએ પ્રેમિકાને જાહેરમાં જ ઝૂડી નાખી, કારણ પણ રસપ્રદ

અમદાવાદઃ નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પ્રેમી અને પત્નીએ જાહેરમાં રોકીને માર માર્યો હતો. ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ પીડિત મહિલાએ લગાવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રેમિકાને પ્રેમી અને પત્નીએ માર્યો જાહેરમાં માર
  • પ્રેમિકાના કપડા ફાડી નાખ્યાનો પણ આરોપ
  • પ્રેમિકા પ્રેમી સાથે લીવઈન રિલેશનશીપમાં રહેતી હતી

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પતિ, પત્ની ઔર વો..જેવો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીએ તેની પત્ની સાથે મળીને પ્રેમિકાને જાહેરમાં જ માર માર્યો હતો. એટલું જ નહીં પ્રેમિકા અને તેના પતિને ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ પ્રેમિકાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ત્રણ વર્ષ લિવઈનમાં રહ્યાં 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ દિલ્હીની મહિલા નારોલમાં પતિ સાથે રહે છે. આ મહિલાની મુલાકાત એક પાર્ટી દરમિયાન એક યુવક સાથે થઈ હતી. એ પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાળકો હોવાની જાણ હોવા છતા ત્રણેક વર્ષ પહેલાં તેઓ લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. આ વાતની જાણ પ્રેમીની પત્નીને થતા તેણે સુરતમાં ભરણપોષણનો દાવો માંડ્યો હતો. તો પ્રેમીએ તેની પત્ની સામે અરજી કરી હતી. 

2023માં છૂટા પડ્યા 
આ દરમિયાન પ્રેમીની પત્ની તેને છોડીને જતી રહી. પ્રેમિકાને પણ લાગ્યું કે, તેણે પ્રેમી સાથે ન રહેવું જોઈએ. એટલે 2023માં કરાર કરીને તેઓ છૂટા પડ્યા હતા. આ દરમિયાન કંકાસથી કંટાળી પ્રેમીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, પ્રેમી અને તેની પત્ની પ્રેમિકા પર વોચ રાખતા હતા. ગઈ 6 ઓક્ટોબરના રોજ પ્રેમિકા વડોદરાથી અમદાવાદ આવી હતી. 

રસ્તામાં માર માર્યો 
આ સમયે પ્રેમી અને તેની પત્નીએ તેને રસ્તામાં રોકીને ઝઘડો કર્યો હતો. પ્રેમીની પત્નીએ પ્રેમિકાને પકડીને માર માર્યો હતો અને કપડાં પણ ફાડી નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. એ પછી પ્રેમિકાને ધમકી આપી કે ગોળી મારીને તને મારી નાખવામાં આવશે. એટલે પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને પછી આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.