Ahmedabad Crime: SRPનું આઈકાર્ડ બતાવી જવાન બે કાર લઈ રફુચક્કર, જબરો કાંડ કર્યો

Ahmedabad Crime: કેટલાંક લોકો ખાખીનો રોફ મારીને ધાક જમાવતા હોય છે અને ક્યારેક ગુનો કરી બેસી હોય છે. ત્યારે એક શખસે એસઆરપી ગ્રુપનું આઈકાર્ડ બતાવીને વિશ્વાસ કેળવીને મોટો કાંડ કર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • એસઆરપીમાં હોવાનું કહી જવાન બે કાર લઈ ફરાર
  • અગાઉ આ રીતે કાર લઈ ગઈ પરત આપી વિશ્વાસ કેળવ્યો
  • કારનું જીપીએસ ચેક કરતા રાજકોટ-લીંબડીનું લોકેશન મળ્યું

અમદાવાદઃ રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ, આરોપીએ પોતાની ઓળખ એસઆરપીના જવાન તરીકે આપી હતી. નડિયાદ એસઆરપી ગ્રુપનું આઈકાર્ડ બતાવીને વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં પહેલીવાર કાર ભાડે લીધી હતી અને પછી પરત આપી દીધી હતી. આમ કરીને પહેલાં તો વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં બીજી વાર કાર ભાડે લઈ ગયા હતા. દસ દિવસ પૂરા થયા બાદ પણ પરત કરી નહોતી. આખરે ફરિયાદીએ આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

આઈકાર્ડ બતાવ્યું 
બનાવની વિગતો એવી છે કે, વસ્ત્રાલમાં રહેતા શખસે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે, તેઓએ રુપિયા 11.50 લાખમાં બે કાર ખરીદી હતી. આ બંને કાર ઝૂમ એપ્લીકેશન પર સેલ્ફ ડ્રાઈવિંગ માટે મૂકી હતી. થોડા સમય પહેલાં નડિયાદમાં રહેતા શખસે ફરિયાદનો સંપર્ક કર્યો હતો. આ સમયે આરોપીએ એવું કહ્યું હતું કે, તે નડિયાદ એસઆરપી ગ્રુપમાં છે અને આઈકાર્ડ બતાવ્યું હતું. 

આ રીતે વિશ્વાસ કેળવ્યો
આઈકાર્ડ બતાવ્યા પછી બે દિવસ માટે કાર લઈ ગયા હતા. બે દિવસ પછી તેઓ કાર પરત આપી ગયા હતા. આ રીતે પહેલાં વિશ્વાસ કેળવ્યો હતો. એ પછી ગયા ઓક્ટોબર મહિનામાં આરોપી ફરી દસ દિવસ માટે કાર લઈ ગયા હતા. પરંતુ દસ દિવસ બાદ કાર પરત કરવા આવ્યો નહોતો. એ પછી ફરિયાદીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 

જીપીએસથી ટ્રેક કરી 
જ્યારે કારમાં ફિટ કરવામાં આવેલું જીપીએસ ચેક કર્યુ તો એક કારનું લોકેશન રાજકોટ અને બીજી કારનું લોકેશન લીંમડી ખાતેનું હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી પોલીસે પણ કાર્યવાહી હાથ ધરીને કાર કબજે કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.