Veraval: સૂત્રાપાડામાં ખેડૂતને પ્રાઈવેટ પાર્ટના એડિટ કરેલાં ફોટા મોકલ્યા, બ્લેકમેઈલ કરી રુપિયા ખંખેર્યા

ખેડૂતને એડિટ કરેલા પ્રાઈવેટ પાર્ટના ફોટા મોકલી શખ્સે ધમકી આપી હતી કે, જો રુપિયા નહીં આપે તો કિન્નરોને ગામમાં મોકલીશ અને તારી બદનામી કરાવીશ. પછી ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ખેડૂતને પ્રાઈવેટ પાર્ટના એડિટ કરેલા ફોટો મોકલી ફસાવ્યો
  • કિન્નરોને ગામમાં મોકલી બદનામી કરાવવાની ધમકી આપી
  • ખેડૂત પાસેથી 90 હજાર રુપિયા પડાવ્યા, કરી ફરિયાદ

સૂત્રાપાડાઃ ઈન્ટરનેટ અને મોબાઈલ હાથવગુ બનતા હવે સાઈબર ક્રાઈમમાં પણ દિવસે ને દિવસે વધારો થયો છે. ન્યૂડ ફોટા મોકલીને લોકને ડરાવી ધમકીને રુપિયા પડાવવા સામાન્ય બાબત બની ગયુ છે. ત્યારે આવો જ એક કિસ્સો વેરાવળના સૂત્રાપાડાના ધામળેજ ગામમાંથી સામે આવ્યો છે. એક ભોળા ખેડૂતને પ્રાઈવેટ પાર્ટના એડિટ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેની પાસેથી રુપિયા પડાવવામાં આવ્યા હતા. આખરે ખેડૂતે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ રીતે શિકાર બનાવ્યા 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સૂત્રાપાડાના ધામળેજ ગામમાં રહેતા ખેડૂતને છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ખેડૂત અને વેપારી એવા આ વ્યક્તિની દુકાન સામે બે શખ્સોએ દેશી દવાનો તંબુ બાંધ્યો હતો. એ સમયે તેઓ દેશી દવાવાળાને ત્યાં ગયા હતા. ત્યારે એ શખ્સોએ જણાવ્યું કે, આખા શરીરનું ચેકઅપ કરાવવું પડશે. પછી તેઓને વાનમાં મોકલી દેવામાં આવ્યા હતા. 

પેન્ટ ઉતરાવ્યું 
જ્યારે તેઓ વાનમાં ગયા તો પેન્ટ ઉતારવાની વાત કરી હતી. પછી આ શખ્સોએ તેમના પ્રાઈવેટ પાર્ટની તપાસ કરી હતી. એ પછી તેઓ પોત પોતાના ઘરે ગયા હતા. થોડા દિવસો પછી ખેડૂતના ઘરે એક રજિસ્ટર એડી આવ્યું હતું. જ્યારે ખેડૂતે આ રજીસ્ટર એડી ખોલ્યું અને જોયું તો તેમાં પ્રાઈવેટ પાર્ટના એડિટ કરેલા ફોટા હતા. આ જોઈને ખેડૂત ગભરાઈ ગયા હતા. 

પ્રાઈવેટ પાર્ટના ફોટા મોકલ્યા 
જ્યારે તેઓ ચેકઅપ કરાવવા માટે ગયા હતા ત્યારે તેમના પ્રાઈવેટ પાર્ટના ફોટા પાડી દેવામાં આવ્યા હતા. અન્ય સ્ત્રી પુરુષોના નગ્ન ફોટા સાથે તેમના પ્રાઈવેટ પાર્ટનો ફોટો હતો. એ પછી એક શખ્સનો ખેડૂત પર ફોન આવ્યો હતો. તેણે એવી ધમકી આપી કે, જો રુપિયા નહીં આપે તો કિન્નરોને ગામમાં મોકલીને બદનામ કરાવી દઈશ. આવી રીતે ધમકી આપીને 90 હજાર રુપિયા પડાવ્યા હતા. પછી વધુ રુપિયા માગતા ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.