5000 કિલોથી વધુ વજન, અમદાવાદમાં તૈયાર કરાઈ રહ્યા છે અયોધ્યા રામ મંદિરના ધ્વજ દંડ

અમદાવાદમાં ફેક્ટરી ધરાવતા ભરત મેવાડા રામ મંદિર માટે ધ્વજ દંડ તૈયાર કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, તેમનો પરિવાર છેલ્લાં 81 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેમાં તેમણે અનેક મંદિરો માટે ધ્વજ દંડ બનાવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • રામ મંદિર માટે તૈયાર કરાયો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ
  • અમદાવાદના ગોતામાં તૈયાર થઈ રહ્યા છે મંદિરના ધ્વજ દંડ

અમદાવાદઃ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ મંદિરના શિખર પર લગાવવામાં આવનાર ધ્વજ સ્તંભની તૈયારી ચાલી રહી છે. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અયોધ્યા મંદિરના 7 ધ્વજ દંડ અમદાવાદમાં બનાવવામાં આવી રહ્યા છે. બ્રાસ વર્ક કરતી અમદાવાદની એક કંપનીને તેના ધ્વજ દંડના નિર્માણની જવાબદારી મળી છે. રામ મંદિરના આ ધ્વજ સ્તંભનું વજન ઘણું વધારે છે. નિર્માણના ભાગ રૂપે તેમને વિશેષ વાહનમાં અયોધ્યા લઈ જવામાં આવશે.

કુલ વજન 5500 કિલો

અમદાવાદની શ્રી અંબિકા એન્જિનિયરીંગ વર્કસ કંપની સાત ધ્વજ દંડ તૈયાર કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમનું કુલ વજન અંદાજે 5500 કિલોગ્રામ છે, જેમાં મુખ્ય ધ્વજ દંડ પણ સામેલ છે. કંપનીના માલિક ભરત મેવાડાએ મીડિયાને જણાવ્યું કે, અમને અયોધ્યામાં રામ મંદિર માટે ધ્વજ દંડ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે અને તે કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ ધ્વજ દંડ આગામી થોડા દિવસોમાં તૈયાર થઈ જવાની આશા છે. આ પછી તેમને અયોધ્યા લઈ જવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા ભરતભાઈએ વધુમાં જણાવ્યું કે, અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનું બ્રાસ વર્ક અમારી ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઘટક ધ્વજ દંડ છે. અમે ઘણા વર્ષથી શાસ્ત્રો મુજબ ધ્વજ દંડ બનાવીએ છીએ. તે એક અનન્ય સ્તંભ છે જે બ્રહ્માંડની ઊર્જાને ભગવાનના ગર્ભગૃહમાં લઈ જાય છે. આ ધ્વજ બનાવતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે. રામ મંદિર વિશાળ છે અને જેથી ધ્વજ સ્તંભ પણ સંપૂર્ણપણે પિત્તળનો બનેલો છે.