ખેડા: કપડવંજમાં ખાદ્યતેલમાં વ્યાપક ભેળશેળની ફરિયાદ મળતા એક્શનમાં આવ્યું ફૂડ વિભાગ

ખાદ્યતેલમાં ભેળશેળની ફરિયાદ પોલીસને મળ્યા બાદ ટીમે ફૂડ વિભાગ સાથે મળીને કપડવંજની બે તેલ ફેક્ટરીઓમાં રેડ કરીને સેમ્પલ લેબમાં મોકલ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • કપડવંજની 2 ઓઈલ કંપનીના સેમ્પલ લેબમાં મોકલાયા
  • એક જ પ્રકારના તેલ પર અલગ-અલગ સ્ટીકર કેવી રીતે?

નડિયાદ: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ખાદ્યતેલમાં વ્યાપક ભેળશેળની ફરિયાદો મળતા હવે પોલીસ અને ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ફેક્ટરીઓમાં તપાસ કરીને ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
 

કપડવંજમાં ખાદ્યતેલમાં ભેળશેળની ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ પોલીસને મળેલી અરજીના આધારે ખેડા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ જુદા જુદા ખાદ્ય તેલના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ગાંધીનગર રોડ પર આવેલ નવાગામ પાસે આવેલ ઓઇલ ફેક્ટરી અને મોડાસા રોડ પર આવેલી ઓઇલ ફેક્ટરીમાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મોડાસા રોડ પરની ફેક્ટરીમાં જુદા જુદા નામના સ્ટીકરો મળી આવતા ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.

એક જ પ્રકારના તેલ પર અલગ અલગ સ્ટીકર
મીડિયા રિપોર્ટ અનુસાર કપડવંજ ટાઉન પોલીસ, કપડવંજ અધિકારી, એફએસએલ અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કપડવંજમાં બે જગ્યાએ શંકાસ્પદ ખાદ્યતેલના એકમો ઉપર દરોડો પાડવામાં આવ્યા હતા અને આ ખાદ્યતેલ એકમોના માલિકો દ્વારા એક જ પ્રકારનું તેલ વાપરી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી લોકોને બજારમાં તેલ પધરાવી દેવામાં આવતું હોવાની પણ ચર્ચા છે.

સેમ્પલ લેબોરેટરી મોકલાયા
કપડવંજમાં ખાદ્યતેલના બંને એકમો છેલ્લા ઘણા સમયથી ચાલતા હતા પરંતુ અત્યાર સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહોતી, પરંતુ હવે એકાએક બંને એકમોને સીલ કરી સેમ્પલો લેવામાં આવતા તેલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. હવે જે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે ખાદ્યતેલમાં ભેળશેળ કરવામાં આવી છે કે નહીં?