Heart Attack: ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ 5 યુવકોનાં મોતથી હડકંપ, કેમ વધી રહ્યા છે?

Heart Attack in Gujarat: ગુજરાતમાં યુવકોમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યાં છે. રાજકોટ અને જામનગરમાં એક એક અને સુરતમાં ત્રણ લોકોનાં મોત થયા બાદ હડકંપ મચી ગયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાજ્યમાં પાંચ યુવકોનાં હાર્ટ એટેકથી મોત થતા હડકંપ
  • સુરતમાં ત્રણ લોકોનાં મોત થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર
  • રાજકોટ અને જામનગરમાં એક-એકનાં મોત થયા છે

Heart Attack in Gujarat: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેક કે કાર્ડિયાક એટેકનો સિલસિલો હજુ પણ ગુજરાતમાં યથાવત છે. ત્યારે રાજ્યમાં પાંચ યુવકોનાં હાર્ટ એટેકથી મોત થતા હડકંપ મચી ગયો છે. તાજેતરમાં રાજકોટમાં એક ડૉક્ટરને પોતાના જ ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તરત જ તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, જામનગરમાં બજારમાં વસ્તુ લેવા માટે ગયેલા યુવકનું હૃદય બેસી જતા તેનું મોત નીપજ્યું હતું. 

રાજકોટ-જામનગરમાં મોત 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજકોટમાં કુવાડવા રોડ પર ગોકુલ હોસ્પિટલ આવેલી છે. અહીં ફરજ બજાવતા ડૉક્ટર અવિનાશ વૈષ્ણવ બપોરના સમયે પોતાના ઘરે હતા. બપોરે તે સૂઈ ગયા હતા અને મોડી સાંજ સુધી ઉઠ્યા નહોતા. જે બાદ તેમના પિતાએ તેમને ઉઠાવનાનો ખૂબ પ્રયાસ કર્યો પણ શરીર હલન ચલન કરતુ નહોતું. ત્યારે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજ્યું છે. 

છાતીમાં દુઃખાવો 
બીજો બનાવ જામનગરનો છે. જ્યાં રંગમતી નદીના પટ્ટમાં ભરાતી ગુજરી બજારમાં 44 વર્ષીય કેશવજી મધોડિયા ખરીદી કરવા માટે ગયા હતા. અચાનક તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. સ્થાનિકોએ તરત તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

ત્રણ લોકોનાં અચાનક મોત 
તો સુરતમાં પણ આ રીતે ત્રણ લોકોનાં અચાનક મોત નીપજ્યા હતા. સુરતના સરથાણામાં રહેતા 37 વર્ષીય કાજલબેન ડોબરિયાને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સુરતના ગડોદરામાં રહેતા 43 વર્ષીય  શ્રીનિવાસ અનંત રામલુ રાત્રે પોતાના ઘરે જમી રહ્યાં હતા. અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 

ક્યારે અટકશે? 
તો સુરતના લિબાયતમાં રહેતા 47 વર્ષીય દિપુભાઈ સાંજે અચાનક તબિયત લથડતાં મૃત્યુ પામ્યા હતા. આ તમામ કેસમાં પ્રાથમિક તારણમાં સામે આવ્યું કે, તમામના મોત હાર્ટ એટેકના કારણે નીપજ્યા હતા. પાંચ યુવકોનાં અચાનક મોત થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.