NCRB Report: દેશમાં 2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટ ગુજરાતમાંથી ઝડપાઈ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોનો એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં સામે આવ્યું છે કે દેશમાં 2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટ ગુજરાતમાંથી ઝડપાઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાતમાં 2,000ની સૌથી વધુ 11.28 લાખ નકલી નોટો જપ્ત કરાઈ
  • NCRB દ્વારા ભારતમાં ક્રાઈમ-2022 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)એ બહાર પાડેલા એક રિપોર્ટ પ્રમાણે દેશમાં 2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બ્લેક મનીને ડામવા માટે 2016માં નોટબંધી કરવામાં આવી હતી, અને ત્યારબાદ 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. જો કે, 2023માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેને તબક્કાવાર બંધ કરતા તે ચલણમાંથી બહાર થઈ હતી. કારણ કે, 2000ની નકલી નોટો પણ બજારમાં મોટાપ્રમાણમાં ફરી રહી હતી. હવે NCRBએ એક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં 2000ની નકલી નોટો જપ્ત કરવામાં ગુજરાત દેશમાં સૌથી ટોપ પર છે.

2022માં 11.28 લાખ નકલી નોટ ગુજરાતમાંથી પકડાઈ
NCRB દ્વારા ભારતમાં ક્રાઈમ-2022 રિપોર્ટ જાહેર કરે છે કે ગયા વર્ષે ગુજરાતમાં રૂ. 2,000 મૂલ્યની સૌથી વધુ 11.28 લાખ નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જે સમાન મૂલ્યની 11.48 લાખ નોટોની કુલ રાષ્ટ્રીય જપ્તીમાં 98% જેટલી છે. આ નિરાશાજનક શ્રેણીમાં અન્ય કોઈ રાજ્ય ગુજરાતની નજીક નથી.

દિલ્હી બીજા તો રાજસ્થાન ત્રીજા ક્રમાંકે
આ મામલે બીજા ક્રમે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છે, જ્યાં 2022માં રૂ. 2,000ના મૂલ્યની 73,253 નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતનું પડોશી રાજ્ય રાજસ્થાન 13,653 નોટો સાથે ત્રીજા ક્રમે આવે છે.

ડેટા અનુસાર માત્ર 2000ની જ નહીં પરંતુ અન્ય ચલણી નોટોની જપ્તીમાં પણ ગુજરાત મોખરે છે. જે દેશમાં લગભગ 73 ટકા જપ્તી ધરાવે છે. રાષ્ટ્રવ્યાપી 42.07 લાખ નકલી નોટોમાંથી ગુજરાતમાંથી 30.64 લાખ નકલી નોટો મળી હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ રિપોર્ટમાં થયો છે. જપ્ત કરાયેલી નોટોમાં રૂ. 10, રૂ. 20, રૂ. 50, રૂ. 100, રૂ. 200, રૂ. 500 અને રૂ. 1,000ની નોટો અને રૂ. 2,000ની નોટોનો સમાવેશ થાય છે.

ગુજરાત બાદ કર્ણાટકમાંથી ઉપરોક્ત તમામ મૂલ્યોની 4.59 લાખ નકલી નોટો મળી આવી હતી. મહત્વનું છે કે, ગુજરાતમાં ડિસેમ્બર 2022માં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે, NCRB દ્વારા રજૂ કરાયેલો ડેટા ગુજરાત વિધાનસભામાં શેર કરવામાં આવેલી માહિતીથી અલગ છે.