ભયંકર બદલોઃ અમદાવાદમાં જૂની અદાવતમાં મિત્રએ જ દોસ્તને કેનાલમાં ડૂબાડી હત્યા કરી નાખી

અમદાવાદના ચાંદખેડામાંથી દોસ્તે જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મિત્રએ જૂની અદાવતમાં મિત્રને કેનાલની પાળી પરથી ધક્કો મારીને કેનાલમાં ડૂબાડીને હત્યા નીપજાવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • મિત્રએ મિત્રને કેનાલમાં ધક્કો મારી ડૂબાડ્યો
  • જૂની અદાવતમાં મિત્રએ લીધો ભયંકર બદલો
  • પોલીસે અપહરણ, હત્યાનો ગુનો નોંધ્યો

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક મિત્રએ જ બીજા મિત્રની હત્યા કરી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આ મિત્ર બીજા મિત્રને રિક્ષામાં બેસાડીને કેનાલ પાસે લઈ ગયો હતો. એ પછી કેનાલની પાળી પરથી તેને ધક્કો મારીને કેનાલમાં ડૂબાડીને હત્યા નીપજાવી હતી. ગયા નવેમ્બર મહિનામાં બનેલી આ હત્યાની ઘટના અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ હતો મામલો 
મૂળ પાટણના અને ચાંદખેડામાં રહેતા 45 વર્ષીય ધનીબેન સોલંકીએ કરેલી પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, તેમના 24 વર્ષીય દીકરા દશરથના લગ્ન થયા હતા અને પછી છૂટાછેડા થયા હતા. ગઈ ત્રણ ઓક્ટોબરના રોજ સમાજના અગ્રણી બાબુભાઈ જાદવ સાથે સચિન પટણીએ બોલાચાલી કરી હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા મારામારી થઈ હતી. એ પછી આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે સચિનની ધરપકડ પણ કરી હતી. 

ફરી મિત્રતા કરી 
એ પછી ધનીબેનનો પુત્ર દશરથ કેવલ સાથે વાતચીત કરતો હતો. ત્યારે ધનીબેને ઠપકો આપ્યો હતો. એ પછી બંનેની મિત્રતા તૂટી ગઈ હતી. દોઢ મહિના પછી ફરી તેઓ મિત્ર બન્યા હતા. નવેમ્બર 2023માં આ મિત્રતા ફરી બંધાઈ હતી. ગઈ 28 નવેમ્બરની સાંજે ધનીબેન અને દશરથ ઘરે હતા. સાંજે દશરથ ઘરેથી નીકળ્યો હતો પણ પાછો ફર્યો નહોતો. એટલે તેઓએ તેની શોધખોળ કરી હતી. આખરે તે મળી ન આવતા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવી હતી. 

પોપટની જેમ ગુનો કબૂલ્યો 
એ પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે કેવલની પૂછપરછ કરી હતી. ત્યારે તેણે પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આખરે પોલીસે આકરી પૂછપરછ કરતા કેવલ પડી ભાંગ્યો હતો. તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, કેનાલની પાળી પરથી દશરથને ધક્કો મારીને ડૂબાડી દીધો હતો. 

અપહરણ અને હત્યા 
આરોપી મૃતકને રિક્ષામાં બેસાડીને ખોરજ ગામ તરફ કેનાલ પાસે લઈ ગયો હતો. એટલે પોલીસે આ મામલે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે.મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે હત્યારો મિત્ર જેલભેગો થયો છે. કોર્ટમાં રજૂ કરવા સહિતની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.