અમદાવાદઃ ચાની કીટલીએ મળેલાં શખ્સ સાથે સોદો ભારે પડ્યો, દલાલના 42 લાખ લૂંટ્યા

Ahmedabad Crime: કોઈ પણ જગ્યાએ ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને મળો તો તરત તેના પર વિશ્વાસ કરવાનું રાખશો નહીં. આ રીતે વિશ્વાસ કરીને એક જમીન દલાલ ફસાઈ ગયા હતા અને 42 લાખ રુપિયા લૂંટાઈ ગયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • જમીન દલાલને અજાણ્યા પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો
  • ઠગ રુપિયા 42 લાખ લઈને ફરાર થઈ ગયો હતો
  • બંગલો બતાવી ટોકન માટે રુપિયા માગ્યા હતા

અમદાવાદઃ ઘાટલોડિયામાં રહેતો જમીન દલાલ એસજી હાઈવે પર એક ઓફિસ ધરાવે છે. તે પોતાનું કામ પતાવીને નીકળ્યા બાદ ચાની કીટલીએ ઉભા હતા. એ સમયે એક શખસ તેમની પાસે આવ્યો હતો. આ સમયે થયેલી મુલાકાત બાદ બંને વચ્ચે ધંધાની વાતચીત થઈ હતી. આ જમીન દલાલને એક બંગલો બતાવ્યો હતો અને ટોકન માટે રુપિયા માગ્યા હતા. એ પછી જમીન દલાલ જ્યારે 42 લાખ રુપિયા લઈને આવ્યા તો આ શખસ રુપિયા લૂંટીને ફરાર થઈ ગયો હતો. આખરે જમીન દલાલે આ મામલે સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ રીતે વિશ્વાસ કેળવ્યો 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બનાવની વિગતો એવી છે કે, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો યુવક એસજી હાઈવે પર ઓફિસ ધરાવે છે અને તે જમીન મકાનની લેવેચનું કામ કરે છે. 26 નવેમ્બરના રોજ તેઓ કર્ણાવતી ક્લબ પાસે ચાની કીટલીએ ઊભા હતા. તેઓ અહીં પોતાના મિત્રને મળવા માટે આવ્યા હતા. બંને અહીં જમીન અને મકાનની લેવેચની વાત કરી રહ્યા હતા. આ સમયે નજીકમાં ઉભેલો શખ્સ તેમની વાતો સાંભળતો હતો અને પછી તેમની પાસે આવ્યો તો અને પોતે પણ જમીન-મકાનનું લેવેચનું કામ કરતો હોવાની વાત કરી હતી. 

જમીન દલાલને બાટલીમાં ઉતાર્યો 
એ પછી બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપલે થઈ હતી. બાદમાં આ શખસે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે, આંબાવાડી વિસ્તારમાં એક બંગલો વેચવાનો છે. જો આપણે વેચીશું તો બંનેને ફાયદો થશે. એ પછી ફરિયાદી પોતાના ભાગીદાર અને આ શખ્સ સાથે બંગલો જોવા માટે ગયા હતા. બંગલો પસંદ આવતા ફરિયાદીએ તે ખરીદવાની વાત કરી હતી. 

42  લાખ લઈ ફરાર 
એ પછી ઠગ શખસે તેમને ટોકનની વાત કરી હતી. બાદમાં ફરિયાદી ટોકન માટે તૈયાર હતા. તેઓ રુપિયા 42 લાખનું ટોકન આપવા માટે તૈયાર હતા. જ્યારે ટોકન આપવા માટે ગયા ત્યારે શખ્સ રુપિયા 42 લાખ લૂંટીને ફરાર થઈ ગયો હતો. આ મામલે ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.