કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતને 338 કરોડ, હિમાચલને 633 કરોડ રૂપિયા આપ્યા, શું છે કારણ?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિમાચલ પ્રદેશને 633.73 કરોડ રૂપિયાની વધારાની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલનથી હિમાચલ અને બિપરજોયને કારણે ગુજરાત ગંભીર રીતે પ્રભાવિત થયું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • મંત્રાલયે કહ્યું કે ગુજરાત ચક્રવાતી તોફાન બિપરજોયથી પ્રભાવિત થયું છે
  • HPમાં આ વર્ષે પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ખૂબ નુકસાન થયું

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ મંગળવારે ગુજરાત સરકારને રૂ. 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. મંત્રાલયે કહ્યું કે રાજ્ય ચક્રવાતી તોફાન બિપરજોયથી પ્રભાવિત થયું છે. 'બિપરજોય' 16 જૂને ભારે વરસાદ સાથે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી, જેના કારણે વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં, રાજ્ય સરકારે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ચક્રવાતથી પ્રભાવિત ખેડૂતો માટે 240 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાદમાં વિધાનસભાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જૂનમાં ચક્રવાત 'બિપરજોય'થી થયેલા નુકસાન માટે કેન્દ્ર પાસેથી 700 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું, પરંતુ 31 જુલાઈ સુધી કોઈ ગ્રાન્ટ મળી નથી. મુખ્યમંત્રી, જેમની પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ છે, તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે 18 જૂને કેન્દ્રને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં ચક્રવાતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે 700.42 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

કેન્દ્ર તરફથી હિમાચલ પ્રદેશને રૂ. 633.73 કરોડની વધારાની નાણાકીય સહાય
આ સિવાય ગૃહ મંત્રાલયે હિમાચલ પ્રદેશને 633.73 કરોડ રૂપિયાની વધારાની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી રાજ્ય ગંભીર રીતે પ્રભાવિત થયું હતું.

હિમાચલ પ્રદેશ સરકારે આ વર્ષે ઓગસ્ટમાં ગૃહ મંત્રાલયને વરસાદની મોસમમાં નુકસાનનો અંદાજ મોકલ્યો હતો. કેન્દ્ર સરકાર પાસે 10 ઓગસ્ટ સુધી થયેલા નુકસાનના આધારે આર્થિક સહાય આપવાની માંગ કરવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આપત્તિ પછીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા વિનંતી કરી હતી, જેથી પુનર્નિર્માણ અને પુનર્વસન પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર પાસેથી સહાયની માંગ કરી શકાય.