બોગસ ટોલનાકા કેસમાં પુત્રનું નામ ખૂલતાં ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે કર્યા અનેક ખુલાસા

વાંકાનેરના બોગસ ટોલનાકા કેસમાં હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને જલદી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ કેસમાં સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્રનું નામ પણ ફરિયાદમાં સામેલ હોવાથી પિતાએ મીડિયા સામે અનેક ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે, આ કૌભાંડમાં તેમના પુત્રની કોઈ જાતની સંડોવણી નથી.

Share:

હાઈલાઇટ્સ

  • અમરશી પટેલનું નામ ખૂલતાં પિતા જેરામ પટેલે મીડિયા સમક્ષ જણાવી હકીકત
  • 'તમારા પુત્રનો 70% ભાગ હતો' તેવા સવાલ સાંભળી જેરામ પટેલ હસવા લાગ્યા

મોરબી: વાંકાનેરના વઘાસીયામાં પકડાયેલા નકલી ટોલનાકા કેસમાં મોટા માથાઓના નામ સામે આવી રહ્યા છે. આ સમગ્ર કેસમાં 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  જેમાં સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્રનું નામ પણ સામેલ છે. પોલીસે વ્હાઈટ હાઉસ સીરામિક કંપનીના માલિક અને જેરામ પટેલના પુત્ર અમરશી સામે પણ ગુનો દાખલ કર્યો છે. હવે આ મુદ્દે જેરામ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, 'તમને બધાને ખબર છે કે હું રિટાયર્ડ છું. અમારે જરૂરિયાત હતી એટલે જમીન ભાડે આપેલી હતી, પરંતુ છેલ્લે 10માં મહિનામાં જમીનનો ભાડા કરાર કેન્સલ કરવો છે તેને લઈને નોટિસ પણ આપી હતી. ટોલનાકું કેવી રીતે ઉભું થયું તેની કોઈ જાણ નથી.' મીડિયાએ જેરામ પટેલને તેમની જમીન પર બોગસ ટોલનાકું ઉભું કરનારા લોકો સામે કાર્યવાહી કરવા અંગે પૂછેલા સવાલના જવાબમાં જેરામ પટેલે જણાવ્યું કે, 'આ કાયદાનો વિષય છે, જેથી આગળ શું કરવાનું તે વિચારીશું.'

અમરશીનો 70 ટકા ભાગ હતો?

મીડિયાએ એવા આક્ષેપ કરતો સવાલ કર્યો કે, આ કૌભાંડમાં તમારા પુત્ર અમરશીનો 70 ટકા ભાગ હતો? આ સવાલ સાંભળીને જેરામ પટેલ હસવા લાગ્યા અને જવાબ આપતા કહ્યું કે, 'હકીકતમાં આ કેસમાં અમરશીની કોઈ સંડોવણી નથી. અમરશી આ કંપનીમાં કોઈ ડિરેક્ટર કે મેનેજિંગ ડિરેક્ટર નથી. અમરશી મારી બીજી ફેક્ટરી ઝેડ ગ્રેનાઈટમાં બેસે છે. ફરિયાદીએ લખાવ્યું એટલે પોલીસે તેમનું ફરિયાદમાં દાખલ કર્યું હોઈ શકે છે.' છેલ્લે તેમણે કહ્યું કે, 'આપણે આવી કોઈ પ્રવૃત્તિને સપોર્ટ કરતા નથી.' નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે પણ જેરામ પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું.

વાહનચાલકો પાસેથી આટલા રૂપિયા ઉઘરાવતા

મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપરના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકું બનાવવામાં આવ્યું હતું. જ્યાં વાહનચાલકો પાસેથી 50થી લઈને 200 રૂપિયા સુધીના ઉઘરાણા કરવામાં આવી રહ્યા હતા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એક કે બે મહિનાથી નહીં પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી, તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ટૂંક સમયમાં જાહેર કરાશે રિપોર્ટ

બોગસ ટોલનાકા મુદ્દે સરકારે તપાસના આદેશ આપ્યા છે. જેનો રિપોર્ટ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. આ મુદ્દે મોરબી પ્રાંત ઓફિસર અને ડીવાયએસપીને તપાસ સોંપાઈ છે. આ નકલી ટોલનાકું કેટલા માથાભારે તત્વો, ઉચ્ચ અમલદારો સાથે સાંઠગાંઠમાં ચલાવવામાં આવતું હતું અને એમાં રાજકીય પીઠબળ પણ હોવાની ચર્ચા છે.