Ahmedabad: સરદારનગરમાં હત્યા કરી 50 વર્ષથી પોલીસને હંફાવતો હતો, મહારાષ્ટ્રમાંથી ઝડપાયો

Murder Case: અમદાવાદના સરદારનગરમાં પચાસ વર્ષ પહેલાં એક સનસનાટીભરી હત્યા થઈ હતી. એ પછી હત્યારો ફરાર થઈ ગયો હતો. પચાસ વર્ષથી પોલીસને હંફાવતો હત્યારો આખરે મહારાષ્ટ્રમાંથી ઝડપાઈ ગયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • ચોરીના ઈરાદે આરોપીએ મહિલાની હત્યા કરી હતી
  • પચાસ વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો
  • માત્ર નામના જ આધારે મહારાષ્ટ્રમાંથી પોલીસે ઝડપ્યો

અમદાવાદઃ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1973માં એક મહિલાની હત્યા થઈ હતી. આ હત્યાનો આરોપી પચાસ વર્ષથી પોલીસને હંફાવી રહ્યો હતો અને નાસતો ફરતો હતો. આખરે પોલીસે આરોપીને મહરાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો હતો. અમદાવાદની સેશન કોર્ટે ચાર્જફ્રેમ કર્યા બાદ આગામી 13 ડિસેમ્બરના રોજ સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી હાથ ધરાશે. 

શું હતી ઘટના?
સરદારનગરમાં 1973માં એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો. મકાન માલિકના ઘરમાં જ તે ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. એ પછી મહિલાની હત્યા કરી આરોપી નાસી ગયો હતો. એ સમયે પોલીસ જ આ કેસમાં ફરિયાદી બની હતી. અમદાવાદમાં હત્યા કર્યા પછી તે મહારાષ્ટ્રમાં પોતાના સગાના ત્યાં રહેવા લાગ્યો હતો. ત્યાં રહીને તે ભજન કિર્તન કરીને ગુજરાન ચલાવતો હોવાનું પોલીસ તપાસમા સામે આવ્યું હતું. 

પોલીસ માટે પડકાર
જો કે, હત્યા 50 વર્ષ પહેલાં થઈ હતી. એ સમયનો આરોપીનો કોઈ ફોટો પણ નહોતો. જેથી કરીને તેની ઓળખ થઈ શકે. 50 વર્ષમાં તેની ઓળખ પણ બદલાઈ ગઈ હતી. તેમ છતા પોલીસે માત્ર નામના જ આધારે આરોપીને પચાસ વર્ષે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસમાં અમદાવાદની સેશન કોર્ટે ચાર્જફ્રેમ કરી છે. હવે આગામી 13 ડિસેમ્બરના રોજ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી હાથ ધરાશે.