પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને મહિલાઓને રોજગાર આપવા રાજ્ય સરકારની અનોખી પહેલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ સખીની પસંદગી કરાશે. ગૌશાળા અને પાંજરાપોળ પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરીને વાજબી દરે પૂરા પાડશે.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ સખીની પસંદગી કરાશે
  • આ અંતર્ગત ગામડાઓની ખેડૂત મહિલાઓને મળશે દર મહિને રૂ. 6000નું મહેનતાણું

ગાંધીનગર: પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા માટે તેમજ મહિલાઓને રોજગાર આપવા માટે રાજ્ય સરકારે અનોખી પહેલ કરી છે. જેમાં રાજ્યના પ્રત્યેક ગામમાં ખેતી કરતી મહિલાઓ પૈકી એક પ્રાકૃતિક 'કૃષિ સખી'ની પસંદગી કરવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ સખી પોતાના ગામમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 25 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપશે. પોતાના ગામમાં પ્રાકૃતિક ખેતીનું એક મોડેલ ફાર્મ બને એ માટે પ્રયત્ન કરશે. આ માટે પ્રાકૃતિક કૃષિ સખીને દર મહિને 6000 રૂપિયા મળે તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંગળવારે રાજ્યના તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત વાત કરી હતી.

456 કૃષિ સખીની પસંદગી, દર મહિને 6000નું મહેનતાણું
આ અંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ગત મહિને 22 જિલ્લાની 5000 જેટલી બહેનો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કર્યા પછી તેમાંથી 456 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. જેમને પ્રાકૃતિક કૃષિની સઘન તાલીમ આપીને એક્સપર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાંથી પ્રાકૃતિક કૃષિ કરતી મહિલાઓને પસંદ કરીને તેમને પ્રાકૃતિક કૃષિ સખી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. જેમાં બહેનોને પ્રતિમાસ  6000નું મહેનતાણું ખાનગી કંપનીઓ અને ઉદ્યોગગૃહો પોતાના CSR ફંડમાંથી સીધું આપશે.

પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો પાસે ગાય નહીં હોવાને કારણે પણ અવરોધ આવે છે. આ માટે રાજ્યની ગૌશાળા-પાંજરાપોળ ગૌમુત્ર અને ગોબરમાંથી જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરે તથા પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને રાહત ભાવે ઉપલબ્ધ કરવા રાજ્યપાલે જણાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરી રહેલા ખેડૂતો પોતાના ઉત્પાદનોના યોગ્ય ભાવ મેળવી શકે એ માટે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રમાણપત્ર લેવાની પદ્ધતિ છે. ખેડૂતો સરળતાથી પ્રમાણપત્ર મેળવી શકે એ માટે સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપવા પણ રાજ્યપાલે કલેક્ટર અને જિલ્લા અધિકારીઓ સાથે વાત કરી હતી.

સાથે જ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ કે જ્યાં ખેત પેદાશોનું મોટા પાયે ખરીદ-વેચાણ થતું હોય છે, ત્યાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય જગ્યા ફાળવવા પણ હાંકલ કરવામાં આવી છે. રાજ્યપાલે કહ્યું કે, અનેક સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા વિના આપણને પાલવે તેમ નથી. આપણો આહાર શુદ્ધ હશે તો જ જીવન ટકશે. સરકાર અને સમાજના સહિયારા પ્રયત્નોથી જ પ્રાકૃતિક કૃષિનું આ મિશન વધુ વેગવાન અને સફળ બનશે, તેવું પણ રાજ્યપાલે જણાવ્યું હતું.