લસણની કિંમતમાં જોરદાર ઉછાળો, આગામી દિવસોમાં પણ નહીં ઉતરે ભાવ!

લસણના ભાવ 400 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. જેથી કેટલીક જગ્યાએ લસણની ચટણી મેનુમાંથી ગાયબ થઈ ગઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ડુંગળી બાદ હવે લસણનો ભાવ આસમાને
  • એક કિલોના ભાવ 400 રૂપિયા થઈ ગયા!

કમોસમી વરસાદને પગલે આ વખતે લસણના પાકમાં ખેડૂતોને જબરદસ્ત નુકસાન થયુ હોવાના કારણે તેમજ મહારાષ્ટ્રમાં પણ આજ પરિસ્થિનું નિર્માણ થયું હોવાથી લસણના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. જે લસણ 120થી 150 રૂપિયે કિલો મળતું હતું તે હવે સીધા ત્રણ ગણા વધીને 400 રૂપિયા કિલો સુધી પહોંચી ગયું છે. જેથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. સ્થિતિ એવી છે કે, લોકોએ શાકભાજીમાં લસણ નાખવાનું જ બંધ કરી દીધું છે.

શું છે ભાવ વધવા પાછળનું કારણ
બજારના કેટલાક નિષ્ણાતો મુજબ નવેમ્બર અને ડિસેમ્બર માસમાં સામાન્ય રીતે લસણના ભોવો વધતાં હોય છે કારણ કે તે વખતે સ્ટોક તળીયે હોય છે અને માંગમાં કોઈ અછત હોતી નથી. ગુજરાતમાંથી ઘણો બઘો માલ અત્યારે પાડોશી રાજ્યોમાં સપ્લાય થઈ રહ્યો છે અને તે પણ એક કારણ છે કે લસણના ભાવોમાં વધારો થયો છે. બજારના એક નિષ્ણાંતે ઘ ઈન્ડિયા ડેઈલી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ વખતે ઓક્ટોબર માસમાં પડેલા કમોસમી વરસાદના કારણે લસણને સખતનું નુકસાન થયું હતું જેના કારણે અત્યારે લસણની અછત ઊભી થઈ છે.

આખરે ક્યારે ઘટશે લસણના ભાવ?
નાસિક અને પુણેમાં પણ અત્યારે આ જ સ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, 8મી ડિસેમ્બરે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતાં ઘણાં ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો. નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે આગામી થોડા સમયમાં ડુંગળીના ભાવો ઘટશે પરંતુ લસણમાં હમણાં કોઈ સુધારો આવે એમ લાગતું નથી. કારણ કે નવો પાક નહી આવે ત્યાં સુધી લોકોએ આ ભાવ વધારો સહન કરવો જ પડશે.