Gujaratની 12 લાખ મહિલાઓને કેમ મહિલા હેલ્પ લાઈનની મદદ લેવી પડી?

સરકારે મહિલાઓની મદદ માટે મહિલા હેલ્પલાઈન 1 એપ્રિલ, 2015માં શરુ કરી હતી. હજુ પણ દરેક રાજ્યમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેની સેવા ચાલુ છે. આ સેવા કેવી રીતે કામ કરે છે, એના વિશે કેટલાંક મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાતમાં મહિલાઓ પ્રત્યેની ઘરેલૂ હિંસા વધી
  • ગુજરાતમાંથી 12.65 લાખ મહિલાઓએ હેલ્પલાઈન પર મદદ માગી
  • દિલ્હી સૌથી ટોચ પર, 39 લાખ મહિલાઓની મદદ કરી

અમદાવાદઃ મહિલાઓની મદદ માટે સરકારે મહિલા હેલ્પ લાઈન શરુ કરી છે. જેના પર કોઈ મહિલા પોતાની ફરિયાદ કરી શકે છે. ત્યારે સમગ્ર દેશમાંથી લગભગ 69.75 લાખ મહિલાઓએ મહિલા હેલ્પ લાઈનની મદદ લીધી હતી. 1 એપ્રિલ 2015થી 30 સપ્ટેમ્બર 2023ના સમયગાળા દરમિયાન મદદ કરવામાં આવી હતી. મહિલા હેલ્પ લાઈન ઘરેલૂ હિંસા કે અન્ય કોઈ મુશ્કેલીમાં પણ મદદ કરે છે અને કાઉન્સેલિંગની પણ કામગીરી કરે છે. 

ગુજરાતમાં 12.65 લાખ મહિલાઓએ મદદ માગી 
દિલ્હીમાં 39 લાખ મહિલાઓએ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. સમગ્ર દેશમાં દિલ્હીની મહિલાઓએ હેલ્પલાઈનની સૌથી વધુ મદદ માગી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી લગભગ 12.65 લાખ મહિલાઓએ મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માગી હતી. કેટલાંક મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશમાંથી 7.21 લાખ મહિલાઓ અને પંજાબમાંથી 2.19 લાખ મહિલાઓની, કેરળમાંથી 1.33 લાખ મહિલાઓએ હેલ્પલાઈન પર મદદ માગી હતી. 

શું છે 181? 
હાલમાં 35 રાજ્યો-કેન્દ્ર શાશિત પ્રદેશમાં આ સેવા ચાલુ છે. 1 એપ્રિલ 2015થી આ સેવા કાર્યરત છે. આ સેવા ચોવીસ કલાક અને સાતેય દિવસ ચાલુ હોય છે. 181 નંબર પર કોઈ મહિલા ફોન કરીને પોતાની મુશ્કેલી જણાવી શકે છે. આ ટીમ જે તે પીડિતાના ઘરે પહોંચે છે અને પછી તેમની પાસેથી માહિતી મેળવે છે. બાદમાં તેઓનું કાઉન્સેલિંગ પણ કરે છે. પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચે એ  પહેલાં ત્યાં જ નિરાકરણ આવે એવા પ્રયાસો કરવામાં આવે છે.