અમરેલી: સાવરકુંડલાના MLA મહેશ કસવાલાએ જાહેર કાર્યક્રમમાં TDOને કેમ ખખડાવ્યા?

લોકો માટેના કાર્યક્રમમાં લોકોની જ ગેરહાજરી જોઈ ભાજપ ધારાસભ્ય રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે, આવા કાર્યક્રમ કરવા હોય તો આવતીકાલથી યાત્રા બંધ રાખજો

Share:

હાઈલાઇટ્સ

  • ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ જાહેર કાર્યક્રમમાં TDOને ખખડાવ્યા
  • તેમણે કહ્યું- માત્ર સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિ માટે આ કાર્યક્રમ નથી

અમરેલીના સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલા સહિતના અન્ય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ કાર્યક્રમમાં ગ્રામજનોની હાજરી ઓછી હોવાથી ધારાસભ્ય મહેશ કસવાળા અકળાયા હતા અને TDOને જાહેરમાં ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, ગામના લોકો માટે જ કાર્યક્રમ છે અને તેઓ જ હાજર નથી. જો આવું હોય તો કાલથી યાત્રા બંધ કરી દેજો. માત્ર સરકારી કર્મચારીઓની ઉપસ્થિત માટે આ કાર્યક્રમ નથી'. અમરેલીની લીલિયા ગામનો આ વિડીયો ઈન્ડિયા ડેલી પાસે છે.

વિડીયો અનુસાર કાર્યક્રમમાં પાંખી હાજરીને લઈ ધારાસભ્ય મહેશ કસવાળાએ કહ્યું કે, આમાં શિક્ષકો કેટલા હાજર છે? આરોગ્ય સાથે સંકળાયેલા કેટલા હાજર છે? આંગણવાડી સાથે સંકળાયેલા કેટલા હાજર છે? અન્ય બધા સરકારી કર્મચારીઓ કેટલા હાજર છે? આમાં આંમત્રિત મહેમાનો કેટલા છે? ત્યારે સ્થાનિકોના બદલે મોટાભાગના સરકારી કર્મચારીઓ જ જોવા મળતા ધારાસભ્યએ કહ્યું કે, આ આપણી કરૂણતા છે. વધુમાં કહ્યું કે, સરકારી કર્મચારીઓના આધારે આ કાર્યક્રમ કરવાનો અમારા મનમાં છે જ નહીં.' લોકોની ગેરહાજરી જોઈ કહ્યું કે, આવા કાર્યક્રમ કરવા હોય તો આવતીકાલથી યાત્રા બંધ રાખજો.

ગયા વર્ષે પણ આવ્યા હતા ચર્ચામાં
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જ એક વિડીયો ફરતો થયો હતો. જેમાં સાવરકુંડલા શહેરના પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બનતા બાયપાસ રોડમાં લોટ પાણી અને લાકડા જેવો ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું હતું. સાવરકુંડલાના બાયપાસ રોડનો મામલો ગરમાતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાંથી તેમને એન્જિનિયરને ફોન કરીને જબરા ખખડાવ્યા હતા. તેમને એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચાર કરવાનો પણ આરોપ મુક્યો હતો.

Tags :