મિઝોરમમાં અંડર કંસ્ટ્રક્શન બ્રિજ ધરાશાયી થતાં 17 મજૂરોના મોત, 30 જેટલા મજૂર કાટમાળમાં દટાયા

મિઝોરમમાં કુરુંગ નદી પર બની રહેલો બૈરાબીને સાયરાંગ સાથે જોડતો રેલ્વે પુલ ધરાશાયી થઈ ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. બુધવારે સવારે 10 વાગ્યે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા તમામ પુલ બનાવવાનું કામ કરનારા મજૂરો હતા. દુર્ઘટના બાદ તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં […]

Share:

મિઝોરમમાં કુરુંગ નદી પર બની રહેલો બૈરાબીને સાયરાંગ સાથે જોડતો રેલ્વે પુલ ધરાશાયી થઈ ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. બુધવારે સવારે 10 વાગ્યે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા તમામ પુલ બનાવવાનું કામ કરનારા મજૂરો હતા. દુર્ઘટના બાદ તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ ધરાશાયી

મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે અંડર કંસ્ટ્રક્શન બ્રિજ ધરાશાયી થવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 17 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 35-40 જેટલા મજૂરો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. પુલના કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને મૃતકઆંક હજુ ઉંચો જવાની આશંકા છે.  

બુધવારે સવારના સમયે રાજ્યની રાજધાની આઈઝોલથી આશરે 21 કિમી દૂર સાયરાંગ વિસ્તાર પાસે એક અંડર કંસ્ટ્રક્શન બ્રિજ ધરાશાયી થવાના કારણે ઓછામાં ઓછા 17 કામદારો માર્યા ગયા હતા અને અનેક લોકો પુલના કાટમાળ નીચે ફસાયા હતા. દુર્ઘટના બની તે સમયે 40 જેટલા મજૂરો પુલ પર કામ કરી રહ્યા હતા. 

પૂર્વોત્તરમાં તમામ રાજ્યોની રાજધાનીને જોડવાનો પ્રોજેક્ટ

એક પોલીસ અધિકારીએ કાટમાળમાંથી 17 મૃતદેહ મળી આવ્યા છે અને હજુ ઘણાં લોકો ગાયબ છે તેવી માહિતી આપી હતી. દુર્ઘટના બાદ યંગ મિઝો એસોસિએશનની સાયરાંગ શાખા બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી. દુર્ઘટનાનો ભોગ બન્યો તે પુલ ભારતીય રેલ્વેના પૂર્વોત્તર ક્ષેત્રમાં તમામ રાજ્યોની રાજધાનીઓને જોડવાના પ્રોજેક્ટનો એક ભાગ હતો. છેલ્લા કેટલાક વર્ષથી આ પુલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. 

પૂર્વોત્તર ફ્રન્ટિયર રેલ્વેના (NFR) મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી દેના કહેવા પ્રમાણે અન્ડરકન્સ્ટ્રક્શન પુલ ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે. ઉપરાંત દુર્ઘટના બની તે સમયે કેટલા લોકો ત્યાં હાજર હતા તેનો ચોક્કસ આંકડો પણ હજુ સામે નથી આવ્યો. 

બૈરાબી અને સાયરાંગ રેલ્વે સ્ટેશન વચ્ચે કુરૂંગ નદી પર આ પુલનું બાંધકામ ચાલી રહ્યું હતું. બ્રિજના પાયરની ઉંચાઈ 104 મીટર રાખવામાં આવી છે. મિઝોરમની રાજધાની પહોંચતા પહેલા સાયરાંગ રેલ્વે સ્ટેશન છેલ્લું રેલ્વે સ્ટેશન બનવાનું છે. એક વખત પૂર્ણ થયા બાદ આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય રેલ્વે નેટવર્ક દ્વારા આઈઝોલ સાથે જોડવામાં આવશે. 

મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ સોશિયલ મીડિયા માધ્યમ X (ટ્વિટર)ના માધ્યમથી આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે તમામ પીડિતોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી અને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકોનો આભાર માન્યો હતો.