બેંગલુરૂ શહેરમાં બનશે 190 કિમી લાંબી ટનલ, ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે છુટકારો

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રહેતા લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. બેંગલુરૂના લોકોને દરરોજ જોવા મળતી અનેક કિમી લાંબા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે 190 કિમી લાંબી ટનલનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.  190 કિમી લાંબી ટનલ માટે ટેન્ડર બહાર પડાશે નોંધનીય […]

Share:

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રહેતા લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. બેંગલુરૂના લોકોને દરરોજ જોવા મળતી અનેક કિમી લાંબા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે 190 કિમી લાંબી ટનલનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી. 

190 કિમી લાંબી ટનલ માટે ટેન્ડર બહાર પડાશે

નોંધનીય છે કે, કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં ટ્રાફિક જામ એક મોટી સમસ્યા છે. ત્યારે બેંગલુરૂમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 190 કિમી લાંબી ટનલ બનાવવા રાજ્ય સરકાર 45 દિવસની અંદર ટેન્ડર બહાર પાડવાની છે. 

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, “બેંગલુરૂમાં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા માટે 190 કિમી લાંબા સુરંગ માર્ગ એટલે કે, ટનલનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. 8 કંપનીઓ આ માટે યોગ્ય છે. આ કંપનીઓ એક રિપોર્ટ રજૂ કરશે.”

ટનલ વિશે તમામ માહિતી એકત્રિત કરી નિર્ણય લેવાશે

આ કંપનીઓ અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે કે બેંગલુરૂમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે જે ટનલ બનાવવાની છે તે કેવી હશે. ટનલ ચાર લેનની બનાવવી જોઈએ કે છ લેનની. ઉપરાંત આ ટનલ બેંગલુરૂના કયા વિસ્તારથી શરૂ થવી જોઈએ અને ક્યાં તેનો અંત આવવો જોઈએ. આ ટનલને સમગ્ર બેંગલુરૂ શહેરમાં વિસ્તારવી જોઈએ કે નહીં વગેરે બાબતોને રિપોર્ટમાં આવરી લેવામાં આવશે. 

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પાસે બેંગલુરૂ શહેર વિકાસ વિભાગની પણ જવાબદારી છે. તેમના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટ ખૂબ મોટા પાયાનો હોવાથી ખૂબ વધારે પ્રમાણમાં ધનની જરૂર પડશે જેથી આ પ્રોજેક્ટને અનેક તબક્કાઓમાં પાર પાડવામાં આવશે. 

ડીકે શિવકુમારના કહેવા પ્રમાણે તેમણે હાલ બેંગલુરૂમાં 190 કિમી લાંબી ટનલ બનાવવા પ્રસ્તાવ આપ્યો છે. આ ટનલ માટે બેલ્લારી રોડ, ઓલ્ડ મદ્રાસ રોડ, એસ્ટીમ મોલ જંક્શનથી મેખરી સર્કલ, મિલર રોડ, ચાલુક્ય સર્કલ, ટ્રિનિટી સર્કલ, સરજાપુર રોડ, હોસુર રોડ, કનકપુરા રોડથી કૃષ્ણા રાવ પાર્ક, મૈસુર રોડથી સિરસી સર્કલ સુધી, મગદી રોડ, તુમકુરૂ રોડથી યશવંતપુર જંક્શન, આઉટર રિંગ રોડ, ગોરાગુંટેપલ્યા, કેઆર પુરમ, સિલ્ક બોર્ડ જેવા વિસ્તારો અંગે વિચારણા કરવામાં આવી છે. 

ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, તેમણે આ વિસ્તારોને પ્રાથમિકતાના આધારે પસંદ કર્યા છે. કંપનીઓ આ ટનલ ક્યાં અને કઈ રીતે બનાવી શકાય તે અંગે અભ્યાસ કરશે. આ સાથે જ ડીકે શિવકુમારના મતે બેંગલુરૂને ઓછામાં ઓછી ચાર લેનવાળી ટનલની જરૂર છે. 

ડીકે શિવકુમારે ગત સપ્તાહે બેંગલુરૂના આઉટર રિંગ રોડ ખાતે ભારે ટ્રાફિક જામ થયેલો તેનો હવાલો આપીને પોતે સંબંધિત અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ સાથે તે મુદ્દે વાત કરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ પોતે 7મી ઓક્ટોબરના રોજ આઉટર રિંગ રોડની મુલાકાત લેશે તેમ પણ જણાવ્યું હતું. 

આ સાથે જ ડીકે શિવકુમારે બેંગલુરૂ મહાનગર પાલિકાના એન્જિનિયર્સે ખાડાઓની સમસ્યાના સમાધાન માટે ટ્રાફિક પોલીસની મદદથી કામ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.