અખાત્રીજ પર ગુજરાતમાં 450 કિલો સોનાનો વેપાર થયો

અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું પવિત્ર પર્વ પર લાંબા સમય બાદ સોની બજારમાં ચમકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના વધી રહેલા ભાવના કારણે સોની બજારમાં આવેલા મંદીના માહોલમાં અખાત્રીજનો અવસર હવે રોનક લાવ્યો છે. હાલ સોનાનો ભાવ ઉંચી સપાટીએ છે, ત્યારે અખાત્રીજના મુહૂર્ત પર સોનાનું વેચાણ ઉત્સાહિત જોવા મળી રહ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ […]

Share:

અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું પવિત્ર પર્વ પર લાંબા સમય બાદ સોની બજારમાં ચમકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના વધી રહેલા ભાવના કારણે સોની બજારમાં આવેલા મંદીના માહોલમાં અખાત્રીજનો અવસર હવે રોનક લાવ્યો છે. હાલ સોનાનો ભાવ ઉંચી સપાટીએ છે, ત્યારે અખાત્રીજના મુહૂર્ત પર સોનાનું વેચાણ ઉત્સાહિત જોવા મળી રહ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના અંદાજ મુજબ, ગુજરાતમાં એક જ દિવસમાં લગભગ 450 કિલો સોનાનો વેપાર થયો છે. અખાત્રીજના દિવસે અમદાવાદના બજારમાં સોનાનો ભાવ 62,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર હતો.

મોટાભાગના લોકોએ સોનાના સિક્કા અને બાર ખરીદ્યા

હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી લોકો સોનાની ખરીદી લગભગ ટાળતા હતા, પરંતુ અખાત્રીજ અને લગ્નસરાની સિઝન પણ આવી છે. જેથી સોની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અખાત્રીજને લઇને સોના-ચાંદીના સિક્કા અને લગડીના ઓર્ડર મળવા લાગતાં સોની બજારના વેપારીઓને હાશકારો થયો છે. જ્વેલર્સ અને બુલિયન ટ્રેડર્સે જણાવ્યું હતું કે, મોટાભાગના લોકોએ સોનાના સિક્કા અને બાર ખરીદવાનું પસંદ કર્યું હતું, જ્યારે કેટલાક પસંદગીના ગ્રાહકોએ જ્વેલરી ખરીદવાની પસંદ કરી હતી.

સોનામાં રોકાણ કરવું સૌથી વધુ સુરક્ષિત

આ અંગે IBJAના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું કે, ગત વર્ષના મુહૂર્તની સરખામણીમાં વેચાણ ચોક્કસપણે શાંત છે, જોકે, ત્યારે સોનાનો ભાવ ખૂબ જ અનુકૂળ હતો. હાલમાં વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, અત્યંત અસ્થિર બજારો, મોટી બેંકોના સંવેદનશીલ પગલા, વધતી જતી મોંઘવારી વચ્ચે સોનામાં રોકાણ કરવું સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે. જેથી સોનામાં રોકાણ પણ ખૂબ જ વધ્યું છે. વર્ષોવર્ષ સારા વળતરની અપેક્ષા રાખીને સોનામાં સમજદારીપૂર્વક રોકાણ કરવાનું આવી રહ્યું છે.

ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સોની બજારમાં તેજી જોવા મળી

ગત વર્ષે અખાત્રીજની સરખામણીએ રોકાણકારોએ ચાલુ વર્ષે પોતાના રોકાણ પર 22 ટકા વળતર પહેલેથી જ મેળવી લીધું છે. ભાવ વધવાની ધારણા સાથે રોકાણકારોની માંગમાં સતત વધારો રહ્યો છે. અમદાવાદમાં માણેક ચોક અને રતનપોળમાં આવેલું ઝવેરી બજાર ઈદને કારણે સાવ સુનુ રહ્યું છે. જોકે, શહેરના પશ્ચિમ વિસ્તારના બજારોમાં ગ્રાહકોની નોંધપાત્ર અવર-જવર જોવા મળી હતી. લોકોનું જ્વેલર્સની શોપ સુધી આવવું અને વેચાણ અપેક્ષા કરતા વધુ સારું રહ્યું હતું. અગાઉથી મુહૂર્તના કારણે કોઈ મોટું એડવાન્સ બુકિંગ કે ઓર્ડર આવ્યો નહોતો, પણ સામાન્ય ગ્રાહકો સારી એવી સંખ્યામાં જ્વેલર્સ સુધી આવ્યા હતા. જ્યારે મોટાભાગના ગ્રાહકો બાર અને સિક્કા ખરીદ્યા હતા. આ વખતે હળવા વજનના ઘરેણાં ખરીદનાર અથવા તો જૂના ઘરેણાં બદલાવનાર ગ્રાહકોની સંખ્યા વધુ હતી.