હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને પૂરને કારણે 60 લોકોનાં મોત, ₹10,000 કરોડનું નુકસાન 

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને પૂરને કારણે આ અઠવાડિયે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 60 લોકો મૃત્યુ પામ્યા છે. મનોહર પર્વતો અને લોકપ્રિય પર્યટન સ્થળ હિમાચલ પ્રદેશ, જે છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદથી પ્રભાવિત છે. આ અઠવાડિયે અને જુલાઈમાં ભારે વરસાદના બે વિનાશક તારાજીમાં અંદાજિત નુકસાન ₹10,000 કરોડ છે. હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં નુકસાન થયેલ માળખાકીય સુવિધાઓનું પુનઃનિર્માણ […]

Share:

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને પૂરને કારણે આ અઠવાડિયે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 60 લોકો મૃત્યુ પામ્યા છે. મનોહર પર્વતો અને લોકપ્રિય પર્યટન સ્થળ હિમાચલ પ્રદેશ, જે છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદથી પ્રભાવિત છે. આ અઠવાડિયે અને જુલાઈમાં ભારે વરસાદના બે વિનાશક તારાજીમાં અંદાજિત નુકસાન ₹10,000 કરોડ છે. હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં નુકસાન થયેલ માળખાકીય સુવિધાઓનું પુનઃનિર્માણ કરવામાં એક વર્ષ લાગશે.

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનમાં હજુ પણ લોકો દટાયા હોવાની આશંકા

રવિવારથી હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સમર હિલ, કૃષ્ણા નગર અને ફાગલીમાં ભૂસ્ખલનમાં ડઝનેક લોકોનાં મોત થયાં છે, જ્યારે આજે સવારે ફરીથી સમર હિલમાં અન્ય એક ભૂસ્ખલનની જાણ થઈ છે. એક અધિકારીએ જણાવ્યું કે સમર હિલના કાટમાળમાંથી 13, ફાગલીમાંથી પાંચ અને કૃષ્ણ નગરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. સોમવારે તૂટી પડેલા મંદિરના કાટમાળમાં અન્ય કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.

શિમલામાં ભૂસ્ખલનથી 8નાં મોત

શિમલાના મધ્યમાં આવેલા કૃષ્ણા નગરમાં ગઈકાલે સાંજે ભૂસ્ખલનથી લગભગ 8 મકાનો ધોવાઈ ગયા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા. અન્ય કેટલાક મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. સોમવારે સોલન જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનામાં 7 લોકોના મોત થયા હતા.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારોમાંથી 800થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સ્થળાંતરના પ્રયાસો ચાલુ છે. તેમણે આજે કાંગડા જિલ્લામાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં મૃત્યુનો આંકડો 60 થઈ ગયો છે. એક બેઠક બોલાવવામાં આવી હતી જ્યાં માળખાકીય ધોરણો અને ડ્રેનેજ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. પુનઃસ્થાપનમાં સમય લાગશે, પરંતુ તે યુદ્ધના ધોરણે કરવામાં આવશે.

તેમણે કહ્યું કે રસ્તાઓ અને પાણીના પ્રોજેક્ટના પુનઃનિર્માણમાં સમય લાગે છે. પરંતુ સરકાર પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે. અમારે એક વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવું પડશે. હું આને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યો છું. તે એક મોટો પડકાર છે. પરંતુ અમે પાછળ હટવાના નથી.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું, “રાજ્ય સરકાર હિમાચલ પ્રદેશને ચાર વર્ષમાં “આત્મનિર્ભર” અને 10 વર્ષમાં દેશનું “સૌથી સમૃદ્ધ” રાજ્ય બનાવવાના તેના વિઝન સાથે ચાલુ રાખશે. પરંતુ અમને આ દુર્ઘટનામાંથી બહાર આવતાં એક વર્ષ લાગશે.” 

હિમાચલ પ્રદેશમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટીમો તૈનાત કરવામાં આવી છે એક શિમલામાં અને એક કાંગડામાં. આ ઉપરાંત એરફોર્સ, આર્મી અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ પણ શિમલામાં બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.

હિમાચલ પ્રદેશમાં સત્તામાં રહેલી કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે અને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશને આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કરવું જોઈએ.