રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે 75 શિક્ષકોની પસંદગી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરશે સન્માન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ શિક્ષક દિવસના પ્રસંગે દિલ્હી ખાતે દેશભરના 75 શિક્ષકોનું શિક્ષણ ક્ષેત્રના સર્વોચ્ય સન્માન, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વડે સન્માન કરશે. આગામી 5 સપ્ટેમ્બરના રોજ વર્ષ 2023ના શિક્ષક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આ તમામ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.  જાણો કોને મળશે આ સન્માન […]

Share:

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ શિક્ષક દિવસના પ્રસંગે દિલ્હી ખાતે દેશભરના 75 શિક્ષકોનું શિક્ષણ ક્ષેત્રના સર્વોચ્ય સન્માન, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વડે સન્માન કરશે. આગામી 5 સપ્ટેમ્બરના રોજ વર્ષ 2023ના શિક્ષક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આ તમામ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. 

જાણો કોને મળશે આ સન્માન

જે શિક્ષકોની રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પસંદગી થઈ છે તેમાંથી 50 શાળાના શિક્ષકો, 13 કોલેજના શિક્ષકો અને 12 શિક્ષકો કૌશલ વિકાસ અને ઉદ્યમિતા વિભાગના છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 3 સ્તરે મેરિટના આધારે આ શિક્ષકોની પસંદગી કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો ઉદ્દેશ્ય દેશમાં શિક્ષકોના અદ્વિતીય યોગદાનની ઉજવણી કરવાનો અને આવા શિક્ષકોને સન્માનિત કરવાનો છે જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને સમર્પણના માધ્યમથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા ઉપરાંત પોતાના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું હોય. 

50,000 રૂપિયાનો પુરસ્કાર મળશે

શિક્ષણ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, શિક્ષકોને પુરસ્કાર તરીકે પ્રમાણપત્ર, 50,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને એક સિલ્વર મેડલ આપવામાં આવશે. આ ઉપરાંત પુરસ્કાર વિજેતાઓને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરવાની તક પણ મળશે. દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ દિવસના અવસર પર શિક્ષણ મંત્રાલયનો શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ એક રાષ્ટ્રીય સમારંભનું આયોજન કરે છે. તેમાં એક આકરી અને પારદર્શી પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવેલા દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષકોનું રાષ્ટ્રીય પુરસ્કાર વડે સન્માન કરવામાં આવે છે. 

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારના વ્યાપમાં વધારો

આ વર્ષથી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં શિક્ષણ વિભાગ તથા કૌશલ વિકાસ અને ઉદ્યમિતા વિભાગના શિક્ષકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. પુરસ્કાર માટે પસંદગી પામેલા શિક્ષકોમાં સૌથી વધારે 5 શિક્ષકો ગુજરાતના છે. ત્યાર બાદ કર્ણાટક અને મહારાષ્ટ્રના 4-4 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના 3-3 શિક્ષકો આ પુરસ્કાર માટે પસંદગી પામ્યા છે.

દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જયંતીને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષણ, સંશોધન, સામુદાયિક આઉટરીચ અને કાર્યની નવીનતા (જન ભાગીદારી)માં નવીનીકરણને માન્યતા આપવા માટે મહત્તમ ભાગીદારી માટે ઓનલાઈન નામાંકન મંગાવવામાં આવ્યા હતા. શિક્ષકોની પસંદગી માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી દ્વારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ કરતી 3 અલગ-અલગ સ્વતંત્ર રાષ્ટ્રીય જ્યુરીની રચના કરવામાં આવી હતી.