લદ્દાખમાં આર્મી ટ્રક ખીણમાં ધસી પડતાં 9 જવાનોના મોત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ-વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ લદ્દાખના લેહ ખાતે આર્મી ટ્રક ખીણમાં ધસી પડવાથી થયેલા 9 જવાનોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં સેનાનું એક વાહન રસ્તા પર લસરીને ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ કારણે તેમાં સવાર 9 જવાનોના મૃત્યુ થયા હતા અને એકને ઈજા પહોંચી […]

Share:

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ લદ્દાખના લેહ ખાતે આર્મી ટ્રક ખીણમાં ધસી પડવાથી થયેલા 9 જવાનોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં સેનાનું એક વાહન રસ્તા પર લસરીને ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ કારણે તેમાં સવાર 9 જવાનોના મૃત્યુ થયા હતા અને એકને ઈજા પહોંચી હતી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના દક્ષિણી લદ્દાખના ન્યોમા ખાતે કિયારી પાસે બની હતી.

આર્મી ટ્રક દુર્ઘટનામાં નેતાઓ દુખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, “લેહ ખાતે માર્ગ અકસ્માતમાં સેનાના જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો તે જાણીને ખૂબ દુઃખ થયું. હું પીડિતોના શોકમગ્ન પરિવારો પ્રત્યે મારી સંવેદના પાઠવું છું. ભગવાન તેમને આ દુઃખદ પળનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે. હું ઘાયલો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરૂં છું. રાષ્ટ્ર આ સૈનિકોના નિસ્વાર્થ બલિદાન બદલ તેમનું ઋણી છે.”

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લેહમાં અકસ્માતનો ભોગ બનેલા જવાનો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃત સૈનિકોના શોકથી વ્યાકુળ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમણે જવાનોની ઉન્નત સેવાને રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે તેમ જણાવ્યું હતું.

આ કદી નહીં ભૂલાયઃ રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે  X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, “લેહ પાસે બનેલી દુર્ઘટનામાં ભારતીય સેનાના જવાનોના મોતથી વ્યથિત છું. આપણે જવાનોની દેશ પ્રત્યેની અનુકરણીય સેવાને કદી નહીં ભૂલી શકીએ. શોકથી વ્યાકુળ પરિવારને મારી સંવેદનાઓ પહોંચે. ઘાયલ જવાનોને ફીલ્ડ હોસ્પિટલ લઈ જવાયા છે અને તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરૂં છું.”

પોલીસનું નિવેદન

અધિકારીઓએ આ દુર્ઘટના દક્ષિણી લદ્દાખના ન્યોમામાં કિયારી પાસે બની હોવાનું જણાવ્યું હતું. લેહના વરિષ્ઠ પોલીસ અધીક્ષક પી.ડી. નિત્યાએ જણાવ્યું કે, આર્મી ટ્રકમાં 10 જવાનો સવાર હતા. તે વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. વાહનચાલકે રસ્તામાં વાહન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને સાંજે 4:45 કલાકે વાહન ખીણમાં ખાબક્યું હતું. 

ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે તમામ ઘાયલ સૈનિકોને સેનાની ફીલ્ડ હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યાં 8 જવાનને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અન્ય એક જવાને દમ તોડ્યો હતો અને અન્ય એક જવાન હાલ સારવાર અંતર્ગત છે અને તેની સ્થિતિ ગંભીર છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ શોકમગ્ન પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઘાયલ જવાન ઝડપથી સ્વસ્થ બને તે માટે પ્રાર્થના કરી હતી.