જૂનાગઢમાં 3 માળની ઈમારત ધરાશાયી થતાં 4થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા

ગુજરાતના જૂનાગઢ શહેરમાં 24 જુલાઈએ ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બપોરે 1 વાગ્યાની આસપાસે થયેલી ઘટના બાદ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં શોધ અને બચાવની કામગીરી ચાલી રહી છે. ઘટના સ્થળે 3થી વધારે JCB મશીન સહિતના સાધનો પહોંચાડવામાં આવ્યા છે. […]

Share:

ગુજરાતના જૂનાગઢ શહેરમાં 24 જુલાઈએ ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બપોરે 1 વાગ્યાની આસપાસે થયેલી ઘટના બાદ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં શોધ અને બચાવની કામગીરી ચાલી રહી છે. ઘટના સ્થળે 3થી વધારે JCB મશીન સહિતના સાધનો પહોંચાડવામાં આવ્યા છે.

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલી ત્રણ માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. જૂનાગઢના દાતાર રોડ પર કડિયાવાડ નજીક આ ઘટના બની છે. કડિયાવાડ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીક આ દુર્ઘટના થવાથી 4થી વધુ લોકો અંદર દટાયા હોવાની આશંકા છે. અત્યારે પોલીસ તંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

ત્રણ માળની ઈમારત પડવાને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે. હાલ કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે જૂનાગઢના ધારાસભ્ય એ જણાવ્યું કે, પોલીસ તંત્ર દ્રારા પ્રથમ પ્રાથમિકતા દટાયેલા લોકોને બહાર કાઢવાની છે. આપણી અપેક્ષા છે કે કામ 10 ગણી ઝડપે ચાલે. કેટલા લોકો દટાયા તે અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ એક પરિવારે જણાવ્યું હતું કે, જે રીક્ષા નીચે દટાઈ ગઈ છે તેમાં અમારા બાળકો છે. આ રીક્ષા નીકળે પછી ખબર પડશે કે કેટલા લોકો કાટમાળમાં દટાયા છે. દાતાર રોડ પર ધરાશાયી થયેલા ત્રણ માળના ઈમારતની નીચે દુકાનો આવેલી હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જૂનાગઢના ધારાસભ્ય પણ પહોંચ્યા છે. 

જૂનાગઢમાં ફરીથી વરસાદ શરૂ થતા બચાવની કામગીરીમાં મુશ્કેલી આવી છે. ઘટના સ્થળે 108ની 5 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. ભવનાથ સુધીનો માર્ગ સ્થાનિક લોકોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. કાટમાળમાં ફસાયેલા લોકો બૂમો પાડી મદદ માંગી રહ્યા છે. આ ઈમારત જર્જરિત થઈ ગઈ હોવાથી કોર્પોરેશને તેમાં રહેતા લોકોને નોટીસ પણ આપી હતી. પરંતુ તેમણે ઈમારત ખાલી કરી ન હતી.

જૂનાગઢના ડેપ્યુટી મેયરે કહ્યું કે જર્જરિત ઈમારતો હટાવવાની નોટિસ અપાઈ હોવા છતાં મકાન ખાલી કરાયા નહોતા. તેને કારણે આ દુઃખદ ઘટના સર્જાઈ છે. જૂનાગઢમાં તાજેતરમાં આવેલા ભંયકર પૂર બાદ અનેક ઈમારતોના પાયા નબળા પડી ગયા છે. આ દુર્ઘટના સ્થળની આસપાસની બિલ્ડીંગોને પણ ખાલી કરાવવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં 24 કલાકના સમયગાળામાં 241 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 

જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, “વરસાદ બંધ થયા બાદ શહેરમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 200 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને 750 લોકોને ખસેડવામાં આવ્યા હતા. અન્ય 2,220 લોકોને ગ્રામીણ વિસ્તારોમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.”