મુંબઈના ગોરેગાંવમાં 7 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 7નાં મોત- 51 ઘાયલ

મહારાષ્ટ્રના મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં શુક્રવારે સવારે 3 વાગ્યે 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. મુંબઈના ગોરેગાંવ પશ્ચિમમાં લેવલ 2 આગની ઘટનામાં 2 સગીર સહિત 7 લોકોના મોત થયા હતા અને 51 લોકો ઘાયલ થયા હતા. આગ લાગ્યાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 39 લોકોની હાલ HBT […]

Share:

મહારાષ્ટ્રના મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં શુક્રવારે સવારે 3 વાગ્યે 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. મુંબઈના ગોરેગાંવ પશ્ચિમમાં લેવલ 2 આગની ઘટનામાં 2 સગીર સહિત 7 લોકોના મોત થયા હતા અને 51 લોકો ઘાયલ થયા હતા. આગ લાગ્યાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 39 લોકોની હાલ HBT અને કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગોરેગાંવમાં લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ

BMCએ જણાવ્યું કે ગોરેગાંવ પશ્ચિમના આઝાદ નગર વિસ્તારમાં આવેલી જય ભવાની બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગથી અસરગ્રસ્ત રહેવાસીઓને જોગેશ્વરીના ટ્રોમા સેન્ટર અને જુહુ ખાતે નાગરિક સંચાલિત કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મૃતકોના નજીકના સંબંધીઓને ₹ 2 લાખ અને ઘાયલોને ₹ 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “અત્યાર સુધી, આગમાં ઘાયલ થયેલા કુલ 51 લોકોમાંથી 7 લોકોના મોત થયા છે અને 39 લોકોની HBT અને કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.” 

4 કલાકની મહેનત બાદ આગ કાબુમાં લેવાઈ

ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચે તે પહેલા આગને કારણે બિલ્ડીંગ ચારે બાજુથી લપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનો, ભંગારની સામગ્રી અને ટુ-વ્હીલર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આઠથી વધુ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લીધી હતી. 

ગોરેગાંવના ધારાસભ્ય વિદ્યા ઠાકુરે જણાવ્યું હતું કે, “આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રવર્તમાન ધુમાડાના કારણે લોકો બિલ્ડિંગમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને તેઓ ટેરેસ પર ગયા હતા. અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવાના પ્રયાસો ચાલુ છે.” 

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું, “મુંબઈના ગોરેગાંવમાં આગની ઘટનામાં જાનહાની અને સંપત્તિના નુકસાન વિશે જાણીને દુઃખ થયું. અમે BMC અને મુંબઈ પોલીસ અધિકારીઓના સંપર્કમાં છીએ અને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. જે પરિવારોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી મારી શુભકામનાઓ છે.” 

એક પીડિતના સંબંધીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અમારા પરિવારના સભ્યો અને સંબંધીઓ ત્યાં હતા. મારી કાકીનું અવસાન થયું છે. સવારે લગભગ 1.30 વાગ્યે શોર્ટ સર્કિટ થયું અને પછી આગ ફેલાઈ ગઈ. આગ સાતમા માળ સુધી ફેલાઈ ગઈ હતી.