અમદાવાદના મણિનગરમાં એક યુવકે જાહેરમાં ગોળીબાર કર્યો, ટોળાએ પકડી પાડ્યો 

અમદાવાદના મણિનગરના રામબાગ વિસ્તારમાં LG હોસ્પિટલ પાસે મંગળવારે એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. ભીડભાડવાળા વિસ્તારમાં જાહેરમાં એક યુવકે અચાનક બંદૂક કાઢી અને સતત ગોળીબાર શરૂ કર્યો. અચાનક થયેલા ગોળીબારને જોઈને આસપાસ ઉભેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવક જે રીતે સતત ગોળીબાર કર્યો તેના કારણે રસ્તા પર ઉભેલા કોઈ પણ વ્યક્તિનું મોત થઈ શકતું […]

Share:

અમદાવાદના મણિનગરના રામબાગ વિસ્તારમાં LG હોસ્પિટલ પાસે મંગળવારે એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. ભીડભાડવાળા વિસ્તારમાં જાહેરમાં એક યુવકે અચાનક બંદૂક કાઢી અને સતત ગોળીબાર શરૂ કર્યો. અચાનક થયેલા ગોળીબારને જોઈને આસપાસ ઉભેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવક જે રીતે સતત ગોળીબાર કર્યો તેના કારણે રસ્તા પર ઉભેલા કોઈ પણ વ્યક્તિનું મોત થઈ શકતું હતું. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

મણિનગરમાં જાહેરમાં ગોળીબાર

અમદાવાદમાં રોડ પર જાહેરમાં ગોળીબારની આ ઘટના કથિત રીતે સ્થાનિક પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર બની હતી. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, આ યુવક મણિનગર LG  હોસ્પિટલ પાસે ફરકી લસ્સી વાળા રોડ પર બંદૂક લઈને ફરતો હતો અને તેણે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. એક અહેવાલ અનુસાર, આરોપી યુવકે તેની બંદૂકમાંથી કુલ 3 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

લૂંટના ઈરાદે બંદુક સાથે દુકાનમાં પ્રવેશ્યો યુવક

મણિનગર ચાર રસ્તા પાસે આવેલા વૃંદાવન જ્વેલર્સમાં સાંજના સમયે વેપારી દુકાનમાં હાજર હતા. તે સમયે અચાનક એક વ્યક્તિ પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી અને હાથમાં એક બેગ લઈને શોરૂમમાં પ્રવેશ્યો. તેણે બેગમાંથી બંદુક કાઢીને વેપારીની સામે ધરી દીધી. વેપારી ફોન ઉપર વ્યસ્ત હતા અને અચાનક જ યુવકને હથિયાર સાથે શોરૂમમાં પ્રવેશેલો જોઈને તેઓએ પ્રતિકાર કર્યો તેમજ યુવકે શો રૂમમાંથી બહાર નીકળીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ટોળાએ યુવકને પોલીસ ભેગો કર્યો

વેપારીએ બુમાબુમ કરતા આસપાસ રહેલા લોકોનું ટોળું યુવકને પકડવા માટે દોડી આવ્યું હતું. તે સમયે યુવકે પોતાની પાસે રહેલ બંદુકથી એક રાઉન્ડ ગોળીબાર કર્યું હતું. યુવકે હવામાં ગોળીબાર કરતા જ લોકોનું ટોળું વધુ માત્રામાં એકઠું થયુ હતું અને યુવકને પકડીને પોલીસને જાણ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશન 300 મીટર નજીક જ હોવાથી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે વેપારીની ફરિયાદ દાખલ કરીને આરોપી સામે લૂંટના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીની પુછપરછ કરતા યુવકનું નામ લોકેન્દ્રસિંગ શેખાવત હોવાનું અને તે મૂળ જયપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. યુવક આર્મીમાં જમ્મુ કાશ્મીર ખાતે 109 મરાઠા લાઈટ ફ્રન્ટ લાઈન બટાલિયનમાં ફરજ બજાવતો હોવાનું અને 5.50 લાખનું દેવું થઈ જતા તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની માહિતી પોલીસને આપી હતી. યુવકે અગાઉ એક જગ્યાએથી તેને મળેલી બંદુક સાથે જયપુરથી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો અને ખોખરા પાસે આવેલી એક હોટલમાં રોકાયો હતો અને આ જ્વેલર્સની દુકાનમાં સાંજના સમયે લૂંટનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી છે.   

અમદાવાદના ACP પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આરોપી ખરેખર આર્મીમાં ફરજ બજાવે છે કે કેમ, તેમજ તે હથિયાર કોની પાસેથી અને કેટલા રૂપિયામાં લાવ્યો હતો અને તેની સાથે આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.