કેરળમાં ફરી એક વખત નિપાહ વાયરસના ફેલાવાની ઘટના સામે આવી છે. કેરળના કોઝિકોડ જિલ્લામાં તાવના લીધે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને વ્યક્તિનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ સમગ્ર જિલ્લામાં ભારે હડકંપ મચી ગયો છે.
બંને દર્દીના નિપાહ વાયરસના કારણે મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે રાજ્યના સ્વાસ્થય વિભાગે નિપાહ વાયરસને લઈ એલર્ટ જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય વિભાગે સોમવારના રોજ જણાવ્યું હતું કે, નિપાહ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.
કોઝિકોડ ખાતે તાવના લીધે થયેલા અપ્રાકૃતિક મૃત્યુ બાદ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. નિપાહ વાયરસની આશંકાને લઈ એક મૃતકના સંબંધીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ મોતની ઘટનાઓ બાદ રાજ્ય સરકારે સ્વાસ્થ્ય એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી.
સ્વાસ્થ્ય વિભાગે સોમવારના રોજ જણાવ્યું હતું કે, એક ખાનગી હોસ્પિટલમાંથી તાવ બાદ 2 શંકાસ્પદ મૃત્યુના કેસ સામે આવ્યા છે. બંને વ્યક્તિ નિપાહ વાયરસથી સંક્રમિત હોવાની આશંકા છે. મૃતકો પૈકીના એકના સંબંધીને પણ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોઝિકોડ જિલ્લામાં અગાઉ વર્ષ 2018 અને 2021માં પણ નિપાહ વાયરસના સંક્રમણથી મૃત્યુના કેસ નોંધાયા હતા. દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ કોઝિકોડ જિલ્લામાંથી જ સામે આવ્યો હતો. 19 મે, 2018ના રોજ કોઝિકોડ ખાતેથી નિપાહ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યાર બાદ પ્રશાસન સતર્ક બની ગયું હતું.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના અહેવાલ પ્રમાણે નિપાહ વાયરસ સંક્રમણને એક જૂનોટિક બીમારી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે જે જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાય છે. તે દૂષિત ભોજનના માધ્યમથી અથવા તો સીધી જ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
નિપાહ વાયરસના સંક્રમણ બાદ વ્યક્તિને ભારે તાવ, માથામાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં ખારાશ સહિતની સમસ્યા અનુભવાય છે. આ કારણે દર્દી ઈન્સેફેલાઈટિસનો શિકાર બની શકે છે અને 48 કલાકની અંદર કોમામાં પણ જઈ શકે છે.
WHOના કહેવા પ્રમાણે નિપાહ વાયરસ ભૂંડ જેવા પ્રાણીઓમાં પણ ગંભીર બીમારીનું કારણ બની શકે છે જેથી ખેડૂતોને મહત્વપૂર્ણ આર્થિક નુકસાન થઈ શકે છે.