G20 સમિટ પહેલા પૂર્વ PM મનમોહન સિંહે મોદી સરકારના નિર્ણયની કરી પ્રશંસા, કહ્યું- “હું સલાહ નહીં આપું”

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે કેન્દ્ર સરકારના વલણને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, ભારતે શાંતિની અપીલ કરીને પોતાના સાર્વભૌમત્વ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાને રાખીને યોગ્ય કામ કર્યું છે. મનમોહન સિંહે G20 સમિટ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કરી હતી. જોકે આ સાથે જ […]

Share:

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે કેન્દ્ર સરકારના વલણને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, ભારતે શાંતિની અપીલ કરીને પોતાના સાર્વભૌમત્વ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાને રાખીને યોગ્ય કામ કર્યું છે. મનમોહન સિંહે G20 સમિટ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કરી હતી. જોકે આ સાથે જ તેમણે ઘરેલુ રાજનીતિ માટે વિદેશ નીતિનો ઉપયોગ કરવા મામલે ચેતવણી પણ આપી હતી.

ભારતની શાખમાં વધારો થયોઃ મનમોહન સિંહ

ઈન્ટરવ્યુ દરમિયાન મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકા અને ચીન સાથેના સરહદી વિવાદ અંગે વાત કરી હતી. મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતની નીતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે, જ્યારે બે કે તેનાથી વધારે શક્તિઓ સંઘર્ષમાં ફસાઈ જાય છે ત્યારે બાકીના દેશો પર કોઈ એક પક્ષની પસંદગી કરવા મામલે અત્યંત દબાણ બને છે. 

મનમોહન સિંહે કહ્યું હતું કે, “મને લાગે છે કે, શાંતિની અપીલ કરીને ભારતે ખૂબ સારી રીતે પોતાના સાર્વભૌમત્વ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાન આપીને યોગ્ય કામ કર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીન તથા પશ્ચિમી દેશો વચ્ચે વ્યાપેલા તણાવના કારણે વિશ્વ વ્યવસ્થામાં ખૂબ પરિવર્તન આવ્યું છે. આ નવી વ્યવસ્થાના સંચાલનમાં ભારતે મહત્વનો રોલ ભજવ્યો છે અને આજે વૈશ્વિક દૃષ્ટિએ ભારતની શાખમાં પણ વધારો થયો છે.”

2047 સુધીમાં ભારતને વિશ્વનું ત્રીજું સૌથી વિશાળ અર્થતંત્ર બનાવવા અંગેના વડાપ્રધાન મોદીના દાવા અંગે મનમોહન સિંહે કહ્યું હતું કે, ભારત પાસે એક વિશાળ માર્કેટ છે અને તે પ્રાકૃતિક સંસાધનો દ્વારા ઉત્પાદન અને નિર્માણ કરીને આગામી દશકાઓમાં વિશ્વભરમાં અર્થતંત્રનું પાવરહાઉસ બનશે. 

“ભારતના ભવિષ્યને લઈ આશા વધુ છે”

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, “ભારતના ભવિષ્યને લઈ મને ચિંતા કરતા આશા વધારે છે પરંતુ મારો આશાવાદ એ વાત પર નિર્ભર કરે છે કે ભારતીય સમાજનો માહોલ કેટલો સૌહાર્દપૂર્ણ છે કારણ કે તે યોગ્ય વિકાસ માટેનો સૌથી મહત્વનો પાયો છે. દેશના રાજકારણમાં ભારત વિશ્વમાં ક્યાં ઉભો છે તે મુદ્દો બનવો જોઈએ પરંતુ એ પણ જરૂરી છે કે કૂટનીતિ અને વિદેશ નીતિનો અંગત રાજનીતિ કે પાર્ટી માટે ઉપયોગ કરવામાં સંયમ વર્તવામાં આવે.”

ચીન સીમા વિવાદ મામલે શું કહ્યું?

મનમોહન સિંહે ભારત-ચીન મુદ્દે કહ્યું હતું કે, “ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે G20 સમિટમાં સામેલ થવાનો ઈનકાર કર્યો તે દુઃખની વાત છે. ચીન સાથેના સંબંધોમાં સુધારો લાવવા માટે વડાપ્રધાન મોદીએ શું કરવું જોઈએ એ વિશે હું કશું બોલું તે યોગ્ય નહીં ગણાય. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી આ માટે જરૂરી પગલા ચોક્કસથી ભરશે.”