અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરી

નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ ગરબાની ઉજવણીની સલામતી સુનિશ્ચિત કરવા સજ્જ બની છે. ગરબા આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેથી અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં ગરબા આયોજકોને સ્થળ પર એમ્બ્યુલન્સ અને તબીબી સહાય ઉપલબ્ધ રાખવા જણાવ્યું છે. નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 23 […]

Share:

નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ ગરબાની ઉજવણીની સલામતી સુનિશ્ચિત કરવા સજ્જ બની છે. ગરબા આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેથી અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં ગરબા આયોજકોને સ્થળ પર એમ્બ્યુલન્સ અને તબીબી સહાય ઉપલબ્ધ રાખવા જણાવ્યું છે. નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 23 ઓક્ટોબરે સમાપ્ત થશે.

પોલીસ વિભાગે ગરબા આયોજકો માટે જાહેર કરી ગાઈડલાઈન

નવરાત્રિ માટેની તૈયારીઓ અને તેની ગાઈડલાઈન અંગે માહિતી આપતાં, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કોમલ વ્યાસે કહ્યું, “કોવિડ પછી, અમે નોંધ્યું છે કે કેટલાક લોકોએ ગરબાનો આનંદ માણતા પોતાનો જીવ ગુમાવ્યો છે. થાકનું સ્તર ઊંચું હોય છે. લોકો 3-4 કલાક ગરબા રમે છે અને ત્યાં ભારે ભીડ હોય છે.”

તેમણે કહ્યું, “તેથી શ્વસન સંબંધી કોઈ સમસ્યા ન થાય અને તબીબી કટોકટી ટાળવા માટે સ્થળ પર પ્રાથમિક સારવાર ટીમ, એમ્બ્યુલન્સ અને તબીબી સહાય હોવી જોઈએ. જેથી કરીને જો આવો કોઈ કેસ ઉભો થાય, તો કોઈનો જીવ બચાવી શકાય.” 

કોમલ વ્યાસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તેમને પાસ સાથે કોમર્શિયલ ગરબા યોજવા માટે 47 અરજીઓ મળી છે. ગરબા આયોજકો પાસે પરવાનગી માટે અરજી કરવા માટે 14 ઓક્ટોબર સુધીનો સમય છે. તેમણે કહ્યું કે અરજદારોને પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ અનુસાર પરવાનગી આપવામાં આવશે.

કોમલ વ્યાસે કહ્યું, “ગરબા મેદાન યુવાનોથી ભરેલા હોય છે, તે માટે અમારી પાસે યુનિફોર્મ તેમજ સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ હશે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, અમદાવાદ પોલીસ વાહન ચેકિંગ પણ કરશે અને અધિકારીઓ ટ્રાફિકનું સંચાલન કરશે.” 

ફાયર અને ઈલેક્ટ્રિક NOC જરૂરી

કોમલ વ્યાસે એમ પણ કહ્યું કે ગરબા આયોજકોએ ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે અને તે ગરબાના સ્થળોથી ઓછામાં ઓછું 100 મીટર દૂર હોવું જોઈએ. ગરબા આયોજકો પાસે સક્ષમ અધિકારીઓ પાસેથી ફાયર અને ઈલેક્ટ્રિકલ એનઓસી પણ હોવી જરૂરી છે. ડીસીપીના જણાવ્યા અનુસાર, આમાંના કોઈપણ ધોરણોનું પાલન ન કરવાથી ગરબા આયોજકોની પરવાનગી પોલીસ દ્વારા મંજૂર કરવામાં આવ્યા પછી પણ રદ થઈ શકે છે.

અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન કરવામાં આવ્યું હોવાથી, કોમલ વ્યાસે જણાવ્યું હતું કે ત્યાં નિયમિત પેટ્રોલિંગ, હોટેલ અને બજારોમાં ચેકિંગ થશે અને પોલીસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે તેમજ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે.

ગરબા માટે ગરબા આયોજકોને રાત્રે 12 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવાશે, તેમજ અવાજની મર્યાદામાં લાઉડ સ્પીકર વગાડવું પડશે. જેથી આસપાસના વિસ્તારના દર્દી, વૃદ્ધો તથા વિદ્યાર્થીઓ અને નાગરિકોને કોઈ તકલીફ ન પડે.